રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકો સતત બિન શૈક્ષણિક અને વહીવટી કામગીરીના બોજ હેઠળ દબાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.હજુ તો શિક્ષકો એક કામગીરી પૂર્ણ પણ કરી શક્યા નથી ત્યાં જ શિક્ષણ વિભાગ દ્વારા તેઓને વધુ એક નવી જવાબદારી સોંપી દેવામાં આવી છે.શિક્ષણ પરિષદની સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલી નવી સૂચના મુજબ રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓનું ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવશે.
ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરાશે
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા રાજ્યની શાળાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના દિશા-નિર્દેશો મુજબ દિવ્યાંગતા ધરાવતા બાળકોની સમયસર ઓળખ,જરૂરી શૈક્ષણિક સહાય,સહાયક સાધનો અને યોગ્ય આયોજન માટે PRASHAST 2.0 એપ્લિકેશન મારફતે સ્ક્રીનિંગ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ નવી નોટિફિકેશન મુજબ,શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન રાજ્યની તમામ સરકારી,ગ્રાન્ટેડ તથા માન્ય ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા પ્રી-પ્રાથમિકથી માંડીને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવામાં આવશે.
દિવ્યાંગતાની ઓળખ માટે આ પ્લેટફોર્મ તૈયાર કરાયું
RPWD એક્ટ 2016 મુજબ 3 થી 18 વર્ષની વય જૂથના બાળકોમાં દિવ્યાંગતાની ઓળખ માટે આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.વર્તમાન સમયમાં UDISE+ના નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાં માત્ર 0.89% વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો નોંધાયેલા છે.જ્યારે વાસ્તવમાં આ વયજૂથમાં દિવ્યાંગતાનો દર 1.1 થી 2.0 ટકા વચ્ચે રહેલો છે.આ તફાવતને દૂર કરવા અને દરેક બાળકને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ આપવા માટે આ કવાયત શરૂ કરવામાં આવી છે. PRASHAST 2.0 એપને UDISE+ તેમજ UDID અને RBSK પોર્ટલ સાથે સાંકળવામાં આવી છે જેથી મેન્યુઅલ ડેટા એન્ટ્રીની જરૂરિયાત ઘટે અને શિક્ષકોના કાર્યભારમાં ઘટાડો થાય.
શાળાઓ અને શિક્ષકો માટે મહત્વની સૂચનાઓ
તમામ શાળાઓએ નવા દાખલ થયેલા બાળકો સહિત તમામ વિદ્યાર્થીઓની માહિતી UDISE+માં તુરંત અપડેટ કરવાની રહેશે.સ્ક્રીનિંગ શરૂ કરતા પહેલાં તમામ શિક્ષકોએ PRASHASTના વીડિયો ટ્યુટોરીયલ જોઈને જરૂરી તાલીમ મેળવવાની રહેશે.શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓની ડેટા ચકાસણી શાળાના આચાર્ય દ્વારા કરવાની રહેશે.રાજ્ય, જિલ્લા અને બ્લોક કક્ષાના નોડલ અધિકારીઓ ડેશબોર્ડ મારફતે સતત દેખરેખ રાખશે અને જરૂર પડે શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડશે.Part-II સ્ક્રીનિંગ અને IEP તૈયાર કરવા માટે વિશેષ શિક્ષકોને જરૂરી સહયોગ આપવાનો રહેશે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સમાવિષ્ટ શિક્ષણ પ્રણાલીના ધ્યેયને સાકાર કરવા તેમજ 2030 સુધીમાં માધ્યમિક સ્તરે 100% GER પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક તરફ આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પણ વાંચોઃ Halol: M&V કૉલેજ ખાતે એઇડ્સ અને ટીબી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો