ગાંધીનગર સચિવાલયમાં ઈ સરકારની આડમાં સામાન્ય વહીવટ વિભાગ GAD દ્વારા પડતર ફાઇલ ટપાલના નિકાલ માટે માત્ર 7 જ દિવસમાં ફેંસલો કરવાના દબાણથી વિવાદ થયો છે.ગત સપ્તાહે GADમાં બે નાયબ સેક્શન ઓફિસર-Dy.SOએ કેટલીક ફાઇલોને સેલ્ફ ફોરવર્ડિંગ, ફોરવર્ડ- રિટર્નની કિમિયો અજમાવ્યાનું કારણ આપીને સચિવાલયની બહાર છેક રાજકોટ,વડોદરા સ્થિત સીપામાં મોકલી દેવાયા હતા.આ જ શૃંખલામાં પંચાયત વિભાગના એક સેક્શન ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે.જેની સામે સચિવાલય ફેડરેશને વિરોધ નોંધાવતા મુખ્યમંત્રીને એક પત્ર લખી ઝીરો પેન્ડન્સી દરેક ફાઇલ માટે એકસમાન સમયમર્યાદા એ અવ્યવહારુ હોવાની સાથે માનસિક દબાણરૂપ હોવાની રજૂઆત કરી છે.
ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર
સચિવાલય કેડરના કર્મચારીઓ સામે લેવાયેલા પગલાં અને ઈ-સરકાર પોર્ટલની પેન્ડન્સી પદ્ધતિના વિરોધમાં ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર પાઠવવામાં આવ્યો છે, જેમાં દરેક ફાઇલના નિકાલ માટેની 7 દિવસની એકસમાન સમયમર્યાદા સામે વાંધો ઉઠાવીને નિયમો વાસ્તવિકતાના આધારે નક્કી કરવા માંગ કરાઈ છે.ફેડરેશને રજાના દિવસોને ગણતરીમાંથી બાદ કરીને કેલેન્ડર દિવસોને બદલે કામકાજના દિવસોના આધારે પેન્ડન્સી ગણવા તેમજ અન્ય વિભાગના અભિપ્રાય કે મંજૂર રજા જેવા નિયંત્રણ બહારના કારણોસર થતી પેન્ડન્સી માટે કર્મચારીઓની વ્યક્તિગત જવાબદારી ન નક્કી કરવા રજૂઆત કરી છે.આ ઉપરાંત બદલી બાદ જૂની પેન્ડન્સી નવા અધિકારીના નામે ન ચડાવવાની અને નાયબ સેક્શન અધિકારીઓ સામે લેવાયેલા આકરા પગલાં 7 દિવસમાં રદ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
