પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતેથી શ્રાવણના પવિત્ર મહિનામાં કરોડો શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના પ્રસાદ વિતરણની વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન કરવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી જે પરંપરાગત પ્લાસ્ટિક થેલી કે બોક્સમાં પ્રસાદ આપવામાં આવતો હતો તેને હવે સંપૂર્ણપણે અલવિદા કહેવામાં આવશે.
મહાદેવના મહા પ્રસાદ વિતરણમાં આવશે ઐતિહાસિક ફેરફાર
મહાદેવના મહા પ્રસાદને વધુ આકર્ષક, સુરક્ષિત અને હાઇજેનિક બનાવવા માટે દેશની પ્રખ્યાત ડિઝાઇનિંગ સંસ્થા NID (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન) ની સલાહ અને ટેકનિકલ મદદ લેવામાં આવી છે. NID ના નિષ્ણાતો દ્વારા સોમનાથ મંદિરની પવિત્રતા અને ભવ્યતાને અનુરૂપ ખાસ ટીન બોક્સનું પેકિંગ તૈયાર કરવામાં આવ્યું છે.ટીન અને સુરક્ષિત ડબ્બાની નવી પેકિંગ વ્યવસ્થાથી સોમનાથ આવતા દેશ અને વિદેશના શ્રદ્ધાળુઓ માટે પ્રસાદને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવો સરળ બનશે. આ ફેરફારથી પ્રસાદની ગુણવત્તા જળવાઈ રહેશે અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન પ્રસાદ ખરાબ થવાનો કે ઢોળાઈ જવાનો ભય રહેશે નહીં.
