ચોમાસા દરમિયાન શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના જોખમને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ પરંપરાગત રીતોની સાથે હવે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. રાજકોટ મનપા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ડ્રોન મારફતે મચ્છરનાશક દવાઓનો છંટકાવ કરવાનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટ મનપાએ અપનાવી હાઇટેક ટેકનોલોજી
આ હાઇટેક અભિયાનની સત્તાવાર શરૂઆત રાજકોટના પવિત્ર રામનાથ મહાદેવ મંદિર પરિસર ખાતેથી મનપા મેયર અને આરોગ્ય સમિતિના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 3 અલગ-અલગ વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જે રાજકોટ શહેરના વિવિધ વોર્ડમાં ફરીને ડ્રોન વડે દવા છંટકાવની કામગીરીનું સંચાલન કરશે.રાજકોટ મનપા કમિશનર અને આરોગ્ય વિભાગના આયોજન મુજબ, અત્યાર સુધી નદી-નાળા અને વિશાળ ખુલ્લા વિસ્તારોમાં જ્યાં મનપાના કર્મચારીઓ ચાલીને કે ફોગિંગ મશીન લઈને પહોંચી શકતા નહોતા, ત્યાં મચ્છરના પોરા (લાર્વા) મોટી માત્રામાં પાંગરતા હતા. ડ્રોન ટેકનોલોજી આ સમસ્યાનો કાયમી અને સચોટ ઉકેલ બનશે.
