સુરત શહેરના મધ્યમાં આવેલા ચોકબજાર રાજાઓવારા વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે વકફ ઊભું કરીને મોટું દબાણ કરવામાં આવ્યું હોવાની બાબત સામે આવી હતી. આ ગેરકાયદે દબાણોને કારણે વાહનવ્યવહાર અવરોધાતો હતો અને ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતી હતી.

ગેરકાયદે દબાણો પર ફર્યું મનપાનું બુલડોઝર

આ મામલે જાગૃત નાગરિકો અને સ્થાનિકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ કડક વલણ અપનાવીને જાહેર માર્ગ પરના તમામ ગેરકાયદે દબાણો ત્વરિત હટાવીને આ તમામ જગ્યાનો કબજો સુરત મહાનગરપાલિકાને સોંપવાનો સ્પષ્ટ આદેશ કર્યો હતો.હાઈકોર્ટના આદેશનું પાલન કરતા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની દબાણ હટાવ શાખાની ટીમ આજે સવારે કાફલા સાથે ચોકબજાર ખાતે પહોંચી ગઈ હતી. મનપાની ટીમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખીને બુલડોઝરની મદદથી રસ્તા પર ઊભી કરાયેલી ગેરકાયદે પાનની કેબિનો તેમજ અન્ય પાકા દબાણોને જમીનદોસ્ત કરી દીધા હતા.

પાનની કેબિનો અને પાકા માળખા તોડી પાડ્યા

મનપાએ બુલડોઝર ફેરવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને આખી જગ્યા પોતાના સત્તાવાર કબજા હેઠળ લઈ લીધી છે. દબાણ દૂર કરતી વખતે કોઈ અસામાજિક તત્વો અવરોધ ઊભો ન કરે તે માટે ચોકબજાર પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મનપાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હાઈકોર્ટના નિર્દેશો મુજબ ચોકબજાર અને અન્ય સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બાકી રહેલા તમામ ગેરકાયદે દબાણો સામે પણ આગામી દિવસોમાં આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો: Surat: નાનપુરા ફિશ માર્કેટના નામકરણ મામલે વિવાદ; ઠરાવ વિના જ લગાવી દેવાયું 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ'નું બોર્ડ