તાજેતરમાં IGP મકરંદ ચૌહાણે ગાંધીનગરમાં જ ફરજ બજાવતા PIને કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની કાર સાથે ઝડપ્યા હતાં. આ ઘટનાને લઈને હવે પોલીસ કર્મીઓ સામે ટ્રાફિક નિયમો માટેની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આજથી 5મી ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યના પોલીસ કર્મીઓ સામે ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી પોલીસ જ નિયમો નેવે મુકે ત્યારે વિભાગની છબી પર સવાલો ઉભા થાય છે. 

આજથી પોલીસ માટે ટ્રાફિક ડ્રાઈવ શરૂ

ગાંધીનગરમાં IGP મકરંદ ચૌહાણે એક કાર પકડી હતી. જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ નહોતી. આ કારની તપાસ કરતાં તે ગાંધીનગરમાં ફરજ બજાવતા એક પોલીસ ઈન્સપેક્ટરની હોવાનું સામે આવ્યું હતું. રાજ્યમાં લોકો સામે જ્યારે ટ્રાફિક ડ્રાઈવ કરીને મસમોટો દંડ વસૂલ કરવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ વિભાગના જ કર્મચારીઓ સરેઆમ નિયમોનો ભંગ કરતા હોવાથી વિભાગની છબી સામે સવાલો ઉભા થાય છે. જેથી હવે પોલીસ વડાની કચેરીએથી જ ગંભીર નોંધ લેવાયા બાદ IGP મકરંદ ચૌહાણ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. 

ટ્રાફિક કાયદા હેઠળ કાર્યવાહી કરાશે

જેને લઈને આજથી સમગ્ર રાજ્યમાં 15 દિવસ પોલીસ કર્મીઓ સામે ખાસ ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરાશે. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ સામાન્ય જનતા પર રોફ જમાવતા પોલીસ કર્મચારીઓ સામે એક્શન લેવાનો છે. પોલીસ કર્મીની કોઈપણ કારમાં કાળા કાચ કે નંબર પ્લેટ વિના ફરતા વાહનો સામે હવે ઝૂંબેશ શરૂ થશે. હવે તમામ પોલીસ કર્મચારીઓના વાહનોમાંથી બ્લેક ફિલ્મ,નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ અન્ય અનધિકૃત લોગો તાત્કાલિક ધોરણે દૂર કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનો, પોલીસ લાઇન અને તમામ સરકારી કચેરીઓમાં પણ આ ડ્રાઇવ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાશે તો તેમની સામે ટ્રાફિક કાયદા હેઠળ કાર્યવાહી ઉપરાંત ગેરવર્તણૂક અને શિસ્તભંગ બદલ દાખલારૂપ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: મનપાની ચૂંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે, ભાજપ દ્વારા 44 બેઠકો માટે સેન્સ લેવાશે