તાજેતરમાં અમદાવાદની સ્કૂલો, ગાંધીનગર કોર્ટ, વિધાનસભા, સચિવાલય અને બ્રિક્સ સમિટ સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. પોલીસે આ ધમકીને પગલે તપાસ શરૂ કરી હતી. પરિસરમાં તપાસ દરમિયાન માત્ર અફવા સાબિત થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આ પ્રકારની સતત આવી રહેલી ધમકીઓની તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે. આ પ્રકારના કેસમાં તાજેતરમાં મળેલી ધમકીઓને પગલે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી સફળતા હાથ લાગી છે. 

સાયબર સેલે બે આરોપીઓની ધરપકડ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રીની ઓફિસ, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ ગુજરાત વિધાનસભા સહિતના દેશ અને રાજ્યના અત્યંત સંવેદનશીલ અને મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ગંભીર મામલે સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સે સત્વરે કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ સમગ્ર કેસમાં બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા ઇ-મેઇલ મોકલવામાં આવ્યા હતા. આ મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર ઇન્ટેલિજન્સના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. 

ભયનો માહોલ ઊભો કરવાના આ મોટા ષડયંત્રનો પર્દાફાશ

આ આરોપીઓએ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને સુરક્ષા તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુજરાત સાયબર સેલની સચોટ ટેક્નિકલ ટીમ દ્વારા તેમને ટ્રેક કરીને આંતરરાજ્ય કક્ષાએ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ધમકીભર્યા ઈ-મેઇલ માત્ર સ્થાનિક કે રાજ્યો પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ બ્રિક્સ (BRICS) શિખર સંમેલન દરમિયાન વૈશ્વિક સ્તરે ભારતને સહકાર આપતા મિત્ર દેશોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને ભયનો માહોલ ઊભો કરવાના આ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આગામી સમયમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી