ગુજરાતના વન વિભાગના કરોડરજ્જુ સમાન વન રક્ષકો (ફોરેસ્ટ ગાર્ડ્સ) દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને હક્કો માટે પાટનગર ગાંધીનગરમાં શરૂ કરાયેલા અહિંસક આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. ગ્રેડ પે વધારવા, સમયસર બઢતી-બદલી, નવી ભરતી અને જંગલમાં જોખમી ફરજ માટે રિસ્ક એલાઉન્સ આપવા સહિતની મુખ્ય માંગણીઓ સાથે રાજ્યભરના વન રક્ષકો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે અડીંગો જમાવીને બેઠા છે. ૬ દિવસથી ચાલી રહેલા આ આંદોલન વચ્ચે આજે સૌથી મોટો વળાંક આવવાની સંભાવના છે. રાજ્યના વનમંત્રી સાથે આજે વન રક્ષક સંગઠનના અગ્રણીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. સચિવાલયના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, આ બેઠકના અંતે સરકાર દ્વારા હકારાત્મક વલણ દાખવીને આંદોલનનો સુખદ અંત લાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
આજે વનમંત્રી સાથે નિર્ણાયક બેઠકમાં સમાધાનના એંધાણ
સતત 6 દિવસથી ગાંધીનગરમાં ધરણાં પર બેઠેલા વન રક્ષકોના પ્રતિનિધિમંડળ સાથે આજે રાજ્યના વનમંત્રી રૂબરૂ ચર્ચા કરશે. વહીવટી તંત્ર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવ પર ચર્ચા થશે. સરકાર મોટાભાગની વ્યાજબી માંગણીઓ સ્વીકારી આંદોલન સમેટાવવા પ્રયાસ કરશે.રાજ્યભરમાંથી વન રક્ષકો ગાંધીનગર આંદોલનમાં જોડાતાં ગીર, સાસણ સહિતના અભયારણ્યો અને જંગલ વિસ્તારોમાં પેટ્રોલિંગ પ્રભાવિત ન થાય તે માટે સરકાર પણ ઝડપી ઉકેલ લાવવાના મૂડમાં છે.
