ગુજરાત સરકાર દ્વારા 7 ઓગસ્ટના રોજ સત્તાવાર રીતે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026–29’ નોટિફાય કરી છે. આ પ્રકારની ભારતની પ્રથમ વિશિષ્ટ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને હાઇપરસ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર્સ માટે દેશનું અગ્રણી કેન્દ્ર અને વૈશ્વિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવવાનો છે. આ નીતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલા ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

7.5 GW હાઇપરસ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર ક્ષમતાનો લક્ષ્યાંક

આ નવી પોલિસી હેઠળ ગુજરાતે 7.5 ગીગાવોટ હાઇપરસ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર ક્ષમતા સ્થાપિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગની વધતી માંગને પહોંચી વળવા આ નીતિ ચાવીરૂપ બનશે. રાજ્યની 74 GW સ્થાપિત વીજ ક્ષમતા અને વ્યાપક ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીને કારણે વિશ્વભરના રોકાણકારો માટે ગુજરાત હોટસ્પોટ બનશે.

ધોલેરા બનશે વિશ્વનું સૌથી મોટું ગ્રીન AI ડેટા સેન્ટર હબ

પોલિસીની સૌથી મોટી વિશેષતા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને વિશ્વના સૌથી મોટા હાઇપરસ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર હબ તરીકે વિકસાવવાની છે. ધોલેરા SIR અને ગિફ્ટ સિટીની વ્યૂહાત્મક સુવિધાઓનો ઉપયોગ કરીને વૈશ્વિક હાયપરસ્કેલ, ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડરો અને AI કોમ્પ્યુટિંગ કંપનીઓને આકર્ષવામાં આવશે.

ભારે સબસિડી અને પ્રોત્સાહનોની જોગવાઈ

રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે આ પોલિસીમાં નાણાકીય અને બિન-નાણાકીય લાભોનો ધોધ વહાવવામાં આવ્યો છે.

  • કેપિટલ અને વ્યાજ સબસિડી: પ્રોજેક્ટ ખર્ચ પર મોટી સબસિડી
  • વીજળી સહાય: પાવર ટેરિફ સબસિડી અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી રિઇમ્બર્સમેન્ટ
  • કર મુક્તિ: સ્ટેમ્પ ડ્યૂટી, રજીસ્ટ્રેશન ફી અને SGST રિઇમ્બર્સમેન્ટ
  • અન્ય સુવિધાઓ: કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા માટે નાણાકીય સહાય

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને નિયમોમાં છૂટછાટ

ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી મળે તે માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં ફાસ્ટ-ટ્રેક મંજૂરી પ્રક્રિયા, વધારાની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI), પરિવર્તનશીલ બિલ્ડિંગ નિયમો તેમજ વીજળી અને પાણીની કનેક્ટિવિટી માટે સિંગલ-વિંડો જેવી સંકલિત વ્યવસ્થા કરવામાં આવી છે.

51 ટકા ગ્રીન અને રિન્યુએબલ એનર્જીનો વપરાશ ફરજિયાત

પર્યાવરણની સુરક્ષા અને ટકાઉ વિકાસને કેન્દ્રમાં રાખીને આ પોલિસીમાં એક ખાસ શરત મૂકવામાં આવી છે. પોલિસી હેઠળના તમામ પાત્ર ડેટા સેન્ટરોએ તેમની કામગીરી દરમિયાન વપરાતી કુલ વીજળીમાંથી ઓછામાં ઓછી 51 ટકા વીજળી રિન્યુએબલ અને ગ્રીન એનર્જી સ્ત્રોતોમાંથી મેળવવી ફરજિયાત રહેશે. આ પહેલથી રાજ્યમાં કરોડોનું રોકાણ આવશે અને ઉચ્ચ મૂલ્ય ધરાવતી નવી રોજગારીની તકો ઊભી થશે.


આ પણ વાંચો - Gujarat Weather Update: રાજ્યમાં શરૂ થશે મેઘરાજાનો રાઉન્ડ, હવામાન વિભાગે કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી