ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા કૃષિ પેદાશોના સંગ્રહ માટે ભાડે લેવામાં આવતા ગોડાઉનના ભાડા પર હવે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે. ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગએ સ્પષ્ટ કર્યું છે કે ગોડાઉનમાં મગફળી, ચણા, તુવેર, મગ સહિતની કૃષિ પેદાશોનો સંગ્રહ થતો હોવા છતાં ગોડાઉનનું ભાડું જીએસટીમાંથી મુક્ત ગણાશે નહીં.

ગોડાઉન ભાડે લેવાની સેવા અલગ બાબત

કોર્પોરેશન NAFED અને NCCF જેવી સંસ્થાઓ વતી કૃષિ પેદાશોના સંગ્રહ અને વેરહાઉસિંગની કામગીરી કરે છે.આ કામગીરી માટે કોર્પોરેશન પોતાના ગોડાઉન ઉપરાંત અન્ય વ્યક્તિઓ પાસેથી પણ ગોડાઉન ભાડે લે છે.આવા ગોડાઉનના ભાડા પર જીએસટી લાગશે કે નહીં અને કર લાગતો હોય તો તેની ચૂકવણી ઉલટા કરવેરા પદ્ધતિ હેઠળ કરવી કે સામાન્ય પદ્ધતિ હેઠળ,તે અંગે કોર્પોરેશને અગ્રિમ ચુકાદા સત્તામંડળ સમક્ષ પ્રશ્ન કર્યો હતો.AARએ ચુકાદામાં જણાવ્યું કે કૃષિ પેદાશોના સંગ્રહ અને વેરહાઉસિંગની સેવા અલગ બાબત છે અને ગોડાઉન ભાડે લેવાની સેવા અલગ બાબત છે.

વેરહાઉસિંગની સેવા માટે GSTમાંથી મુક્તિ છે

કૃષિ પેદાશના સંગ્રહ અને વેરહાઉસિંગની સેવા માટે GSTમાંથી મુક્તિ છે.પરંતુ ગોડાઉન ભાડે લેવાની સેવા રિયલ એસ્ટેટ સર્વિસ હેઠળ આવે છે.તેથી તેના પર 18 ટકા જીએસટી,એટલે કે 9 ટકા કેન્દ્રીય જીએસટી તથા 9 ટકા રાજ્ય જીએસટી લાગશે.ચુકાદામાં ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે,10 ઓક્ટોબર 2022થી બિનરજિસ્ટર્ડ વ્યક્તિ પાસેથી ગોડાઉન ભાડે લેવામાં આવે તો GST રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ ભાડું ચૂકવનાર એટલે કે વેરહાઉસિંગ કોર્પોરેશને જ ભરવાનો રહેશે.આ માટે 18 ટકા GST લાગુ પડશે.

આ પણ વાંચોઃ Rajkot News: જિલ્લામાં હવે ગેરકાયદે જમીનમાં ભંગારનો ધંધો કરવો ગુનો બનશે