ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આદિવાસી પટ્ટામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આદિવાસી વિસ્તારોમાં સરકારની પહોંચ વધારવા અને સ્થાનિક પ્રશ્નોનો તાગ મેળવવા માટે હવે રાજ્ય સરકારના 15 મંત્રીઓ મેદાનમાં ઉતાર્યા છે. આગામી 27,28 અને 29 નવેમ્બરે 11 જિલ્લાઓના આદિવાસી વિસ્તારોમાં મંત્રીઓ ત્રણ દિવસ પ્રવાસ કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓને અલગ અલગ વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે.ત્યારે સવાલ એ છે કે આ પ્રવાસ માત્ર વિકાસકાર્યોની સમીક્ષા છે કે પછી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી મતદારો સુધી પહોંચવાની ભાજપની રાજકીય કવાયત.આદિવાસી વિસ્તારોમાં મંત્રીઓના પ્રવાસનો આ બીજો રાઉન્ડ છે.અગાઉના પ્રવાસ બાદ હવે ફરી એકવાર સરકારના 15 મંત્રીઓ ત્રણ દિવસ સુધી આદિવાસી વિસ્તારોમાં ધામા નાખશે.

અલગ-અલગ વિધાનસભા વિસ્તારોની જવાબદારી

છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી,વલસાડ,સુરતસહિત 11 જિલ્લાઓમાં પ્રવાસનું આયોજન કરાયું છે. મંત્રીઓ સ્થાનિક ધારાસભ્યો,સામાજિક આગેવાનો,જિલ્લા કલેક્ટર અને ભાજપના જિલ્લા પ્રમુખ સાથે બેઠક કરશે.રસ્તા,પાણી,આરોગ્ય,શિક્ષણ,રોજગારી અને સરકારી યોજનાઓના લાભની વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જેતપુર પાવી,આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલને ફતેપુરા અને અન્ય મંત્રીઓને અલગ-અલગ વિધાનસભા વિસ્તારોની જવાબદારી સોંપાઈ છે.

ભાજપ માટે પડકાર માત્ર વિકાસની વાત કરવાનો નથી

સરકારના આ પ્રવાસને માત્ર વહીવટી સમીક્ષા તરીકે જોવાને બદલે રાજકીય દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહ્યો છે.આદિવાસી પટ્ટો ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે.દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિધાનસભાની 27 અનામત સહિત 55 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક છે.આ સંજોગોમાં 15 મંત્રીઓને એકસાથે મેદાનમાં ઉતારવા પાછળ સરકારની આદિવાસી વિસ્તારોમાં પકડ મજબૂત કરવાની રણનીતિ હોવાની ચર્ચા છે.ભાજપ માટે પડકાર માત્ર વિકાસની વાત કરવાનો નથી,પરંતુ સ્થાનિક સ્તરે લોકોની નારાજગી,પાયાની સુવિધાઓ અને રોજગારી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પણ છે.

કોંગ્રેસની પરંપરાગત રાજકીય હાજરી પણ ભાજપ માટે પડકારરૂપ

બીજી તરફ આદિવાસી પટ્ટામાં કોંગ્રેસની પરંપરાગત રાજકીય હાજરી પણ ભાજપ માટે પડકારરૂપ રહી છે. કોંગ્રેસે આ પ્રવાસને સંપૂર્ણ રાજકીય અને ચૂંટણીલક્ષી ગણાવી આરોપ લગાવ્યો કે ભાજપ આદિવાસી વિસ્તારમાંથી પકડ ઓછી થવાનો ડર છે અને એ બીક ના કારણે મુખ્યમંત્રીથી લઈ મંત્રીઓ આદિવાસી વિસ્તારમાં દોડ્યા છે. એક તરફ સરકારનો દાવો છે કે મંત્રીઓના પ્રવાસથી આદિવાસી વિસ્તારોના વિકાસને નવી ગતિ મળશે.બીજી તરફ વિપક્ષ માટે આ પ્રવાસને ચૂંટણી પહેલાંની રાજકીય કવાયત ગણાવવાની તક છે. મંત્રીઓની મુલાકાતમાં કયા પ્રશ્નો સામે આવે છે, કેટલી રજૂઆતોનો ઉકેલ આવે છે અને સરકાર કેટલા નક્કર નિર્ણય લે છે તે મહત્ત્વનું રહેશે.કારણ કે આદિવાસી પટ્ટામાં માત્ર પ્રવાસ નહીં પરંતુ જમીન પર દેખાતો વિકાસ જ રાજકીય વિશ્વાસની સાચી કસોટી બનશે. 

આ પણ વાંચોઃ Rajkot News : જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા ખર્ચ કાંડમાં 1 અધિકારી સસ્પેન્ડ, બે સામે ખાતાકિય તપાસના આદેશ