છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના પાલજ અને આસપાસના લોકો દીપડો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ગત રોજ દસ માસના પાડાનું મારણ એક જંગલી જાનવર દ્વારા કરવામાં આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જે કારણે વન વિભાગની ટીમ પાલજ ગામના સીમ વિસ્તારમાં તપાસ કરવા પહોંચી હતી. પાલજ ગામના આસપાસના ખેતરોમાં તપાસ કરવામાં આવતા વન વિભાગની ટીમને દીપડા હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા.


દીપડો હોવાની વાત વન વિભાગે ખોટી ગણાવી

તાજેતરમાં ગાંધીનગરના પાલજમાં જંગલી જાનવરનો આતંક જોવા મળી રહ્યો છે. પશુઓનું મારણ થવાના કારણે આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની તપાસમાં કુતરાના પગ માર્ક હોવાનું સામે આવ્યું છે. આ સાથે દીપડો હોવાની વાતને વન વિભાગે ખોટી ગણાવી છે. જોકે, સાવચેતીના ભાગરૂપે વન વિભાગે મારણ સ્થળની ‌નજીક પાંજરું મૂક્યું છે. આ સાથે વન વિભાગની ટીમ દ્વારા ફૂટ પ્રિન્ટના આધારે તપાસ કરવામાં આવી હતી. 7-8 ખેતરોમાં તપાસ કર્યા બાદ વન વિભાગે દીપડો હોવાની આશંકા નકારી કાઢી છે.

આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે

જંગલી જાનવર દ્વારા બે પશુઓનું મારણ કરવામાં આવતા સ્થળ પર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ‌ સ્થળ તપાસ કરવા આવી પહોંચ્યા હતા. જે બાદ વન વિભાગે આગામી દિવસોમાં આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું. આ સાથે પિંજરાનું લોકેશન પણ અલગ અલગ જગ્યાએ બદલવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વન વિભાગે જણાવ્યું હતું કે, પશુઓનું મારણ થતાં વન વિભાગ ટીમને જાણ કરવામાં આવી હતી આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરતા કોઈ પણ એવા નિશાન મળી આવ્યા નથી. મારણ થયેલ આસપાસના વિસ્તારોમાં કુતરાના પગ માર્ક જોવા મળ્યા છે. એટલે કોઈ બિગ કેટ કે દીપડો હોવાની પુરાવા મળ્યા નથી.

નાયબ વન સંરક્ષકે શું કહ્યું?

નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ. વી. રાઠોડે જણાવ્યું હતું કે, પાલજમાં ગઈકાલે અમને માહિતી મળી હતી કે, એક પાડાનું મારણ થયું છે. આ ઘટનામાં સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવતા માત્ર કુતરાના જ પગલા જોવા મળ્યા છે. ગામલોકો દ્વારા દીપડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તે તદ્દન ખોટી છે.

  • Follow us on: