કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ગુજરાતના ગાંધીનગરથી એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનું નામ 'આપકી પૂંજી આપકા અધિકાર' રાખવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં લાંબા સમયથી અનક્લેઈમ (Unclaimed) પડેલી રકમને તેના સાચા હકદાર સુધી પહોંચાડવાનો છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે સમય જતાં લોકો પોલિસી અને બેંકમાં રહેલી રકમને ભૂલી જતા હોય છે, જેના કારણે આ huge રકમ લાવારિસ પડી રહે છે. આ અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી રહી છે, પરંતુ તે ટૂંક સમયમાં જ દેશભરમાં ફેલાવવામાં આવશે.
રૂ. 1.82 લાખ કરોડના દાવાઓ સામે જાગૃતિ
આ પ્રસંગે નાણાં સચિવે એક ચોંકાવનારો આંકડો રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દેશભરમાં કુલ રૂ. 1.82 લાખ કરોડની રકમ એવી છે, જેના પર હજુ સુધી કોઈએ ક્લેઈમ કર્યો નથી. આ રકમમાં બચત ખાતાની રકમ, ફિક્સ્ડ ડિપોઝિટ, ડિવિડન્ડ સહિતના બાકી દાવાઓનો સમાવેશ થાય છે. નાણાં સચિવે ખુલાસો કર્યો હતો કે આ અભિયાન શરૂ થયાના માત્ર એક જ મહિનાના ગાળામાં રૂ. 450 કરોડની રકમ તેના સાચા દાવાકર્તાઓને પરત કરવામાં આવી છે. આ અભિયાન આગામી 3 મહિના સુધી સઘન રીતે ચલાવવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો જાગૃત થાય અને પોતાની મહેનતની કમાણી પાછી મેળવી શકે.













