બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઇ છે. હવે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને રાહત બચાવ કામગીરી સુપેરે હાથ ધરવામાં આવી છે.
ત્રણ તાલુકા ના 34 ગામો અસરગ્રસ્ત
બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં કુલ ત્રણ તાલુકા ના 34 ગામો અસરગ્રસ્ત થયા છે.જેમાં બનાસકાંઠાની 1 લાખ 19 હજાર અને 798 તથા પાટણની 4 હજાર 581 આમ, કુલ 1 લાખ ૨૪ હજાર અને ૩૭૯ લોકોનુો સર્વે કરાયો છે.
મેડિકલ અને પેરા મેડિકલની 306 ની ટીમને ત્યાં મુકવામાં આવી
સર્જાયેલી તારાજીમાં બચાવ પગલે સરકારનું આરોગ્ય વિભાગ રાહત અને બચાવ કામગીરી માટે દોડી રહ્યું છે. આરોગ્ય વિભાગની મેડિકલ અને પેરા મેડિકલની 306 ની ટીમને ત્યાં મુકવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણ માં ક્લોરિનની ગોળીઓનું અને ORS ના પેકેટ્સનું વિતરણ પણ મોટા જથ્થા માં કરવામાં આવ્યું છે. વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રોગ અટકાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ઘરે ઘરે જઈ તાવ કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી પણ હાથ ધરવામાં આવી
જેમાં અસરગ્રસ્ત તાલુકાઓ વાવ, સુઈગામ, સાંતલપુર માં ઘરે ઘરે જઈ તાવ કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સર્વે દરમિયાન દરેક જગ્યાએ લોહીના નમુના લઈને રોગચાળા વિશે વધુ તપાસ થઈ રહી છે.અને રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર પ્રસારની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
વાવ તાલુકો
અસરગ્રસ્ત ગામોમાં 33 ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન 77 લોહીના નમુના લેવામાં આવ્યા. કુલ 1542 ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં 26 જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
સુઇગામ તાલુકો
અસરગ્રસ્ત ગામોમાં 29 ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન 69 લોહીના નમુના લેવામાં આવ્યા. કુલ 1141 ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં 24 જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
સાંતલપુર તાલુકો
અસરગ્રસ્ત ગામોમાં 15 ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન 16 લોહીના નમુના લેવામાં આવ્યા. કુલ 2694 ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં 113 જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાસકાંઠા અને પાટણ ખાતે રવાના
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે ગાંધીનગર ખાતેથી ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાસકાંઠા અને પાટણ ખાતે રવાના કરાઇ છે. તેમજ રાજ્ય એપિડેમિક અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ અને વધુ કામગીરી હાથ ધરાશે. જેમાં આણંદ અને મહેસાણાના જિલ્લાના એપિડેમિક અધિકારીને પ્રતિનિયુક્તિ પર મુકવામાં આવેલ છે.













