Gandhinagarની ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI)ની 40મી આવૃત્તિમાં વૈશ્વિક સ્તરે 9 સ્થાન આગળ વધીને 37મા ક્રમે પહોંચી છે. GFCI 39માં ગિફ્ટ સિટી 46મા ક્રમે હતી. નવા રેન્કિંગમાં ગિફ્ટ સિટીએ એશિયા-પેસિફિક ક્ષેત્રના ટોચના 15 ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં પણ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં સ્થાન મેળવનાર ગિફ્ટ સિટી એકમાત્ર ભારતીય સેન્ટર છે.
ફિનટેક રેન્કિંગમાં પણ પ્રગતિ
અગાઉ GFCI 39માં ગિફ્ટ સિટી 29મા ક્રમે હતી. હવે તે 3 સ્થાન આગળ વધીને 26મા ક્રમે પહોંચી છે. આ રેન્કિંગમાં 115 ફાઇનાન્શિયલ સેન્ટર્સને ફિનટેક સેવાઓ અને સુવિધાઓના આધારે સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે ફિનટેક સેન્ટર માટે નવીનતાને પ્રોત્સાહન આપતી ઇકોસિસ્ટમ, નાણાં મેળવવાની સુવિધા, કુશળ પ્રતિભા, સારું નિયમનકારી વાતાવરણ અને મજબૂત ICT માળખું મહત્વપૂર્ણ છે.

આગામી વર્ષોમાં ગિફ્ટ સિટીનું મહત્વ વધશે
GFCI 40ના સર્વેમાં ભાગ લેનારા લોકોના અભિપ્રાયના આધારે આગામી 2થી 3 વર્ષમાં વધુ મહત્વપૂર્ણ બનવાની અપેક્ષા ધરાવતા 15 ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં ગિફ્ટ સિટીનો પણ સમાવેશ થયો છે. ગિફ્ટ સિટીના એકંદર અને ફિનટેક રેન્કિંગમાં થયેલો સુધારો તેના ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇકોસિસ્ટમના સતત વિસ્તરણને દર્શાવે છે. સાથે જ ફાઇનાન્સ, ટેક્નોલોજી અને નવીનતા વચ્ચેનું જોડાણ પણ વધી રહ્યું છે.
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વનું બનશે
ગિફ્ટ સિટી વધુ વ્યાપક બજાર ભાગીદારી વધારવા, આંતરરાષ્ટ્રીય જોડાણને મજબૂત બનાવવા અને દેશમાં તથા વિદેશમાં વધી રહેલી જટિલ નાણાકીય પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે જરૂરી ક્ષમતાઓ વિકસાવવા પર ધ્યાન આપશે. રિપોર્ટમાં આગામી 5 વર્ષ દરમિયાન ફાઇનાન્શિયલ સેન્ટર્સ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્વ આપવાની વાત કરવામાં આવી છે. તેમાં ક્લાઉડ સર્વિસ, ડેટા કનેક્ટિવિટી અને સાયબર સિક્યોરિટી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

ફિનટેક અને ડિજિટલ એસેટ્સ પર ભાર
ફિનટેક અને ડિજિટલ એસેટ સાથે જોડાયેલા વ્યવસાયોને આકર્ષવા, મની લોન્ડરિંગ અને નાણાકીય ગુનાઓ સામે વધુ મજબૂત વ્યવસ્થા બનાવવા તથા મૂડી બજારોને વધુ વિકસાવવા જેવા ક્ષેત્રોને પણ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ફાઇનાન્શિયલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના અભિપ્રાય ઉપરાંત વિવિધ આંકડાકીય અને માપી શકાય તેવા પરિબળોના આધારે રેન્કિંગ નક્કી કરવામાં આવે છે. GFCI 40ની રેન્કિંગ માટે 144 અલગ-અલગ પરિબળો અને 6,147 લોકોના 39,531 મૂલ્યાંકનોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો વધારો, બે વર્ષમાં 87 લાખની આવક