એશિયાઈ સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પર્યાવરણીય સુરક્ષા તથા વન્યજીવોના સંરક્ષણને પ્રાધાન્ય આપતાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રે એક અત્યંત મોટો અને આકરો નિર્ણય લીધો છે. ગીર અભયારણ્યની આસપાસના 10 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર હોસ્પિટાલિટી યુનિટો સામે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના સીધા સુપરવિઝન હેઠળ એક વ્યાપક મેગા ઝુંબેશ ચલાવવામાં આવી છે.
નિયમભંગ બદલ 20 રિસોર્ટ સીલ કરાયા
વન વિભાગ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમો બનાવીને હાથ ધરવામાં આવેલી આ ધડાધડ તપાસ પ્રક્રિયા દરમિયાન નિયમોનો સ્પષ્ટ ભંગ કરનારા 20 જેટલા લક્ઝુરિયસ રિસોર્ટ અને ફાર્મ હાઉસને સ્થળ પર જ સીધા સીલ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર વાણિજ્યિક પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સંયુક્ત ટીમો દ્વારા ગીર વિસ્તારના સરહદી 143 ગામોમાં પથરાયેલા કુલ 308 જેટલા હોસ્પિટાલિટી એકમોની ઊંડાણપૂર્વક સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસણીના અંતે સરકારી શરતભંગ અને પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 221 એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
