ગીરસોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના ગુંદરણ રોડ પર બાઇક અથડાવા જેવી એક સામાન્ય બાબતને કારણે શરૂ થઈ હતી અને બાદમાં તેણે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પરિણામે ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક બાઇક અથડાવાને કારણે બે જૂથના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.


ગુંદરણ રોડ પર બાઇક અથડાવા મામલે મારામારી

શરૂઆતમાં મામૂલી લાગતી આ તકરાર ધીમે ધીમે ઉગ્ર બની ગઈ અને બંને જૂથના લોકો સામસામે આવી ગયા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે મારામારી શરૂ થઈ ગઈ. આ મારામારીમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક તાલાલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારામારીના આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

મારામારીની ઘટનાના CCTV આવ્યા સામે

આ ઘટના બાદ તાલાલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હોસ્પિટલમાં પણ બંને જૂથના લોકો ભેગા થતાં ફરી એકવાર બબાલ સર્જાઈ હતી. જેને પોલીસે સમયસર દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર નાના-મોટા વિવાદોને કારણે સમાજમાં સર્જાતા તણાવ અને હિંસાની પરિસ્થિતિને ઉજાગર કરી છે.



  • Follow us on: