ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં આવેલા દ્રોણ ગામે એક સિંહણ ખુલ્લા કૂવામાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. શિકારની શોધમાં નીકળેલી આ સિંહણ અચાનક ખેડૂત ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ ઠુંમરની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વાડીના માલિક ઘનશ્યામભાઈએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી.
શિકારની શોધમાં સિંહણ ખુલ્લા કુવામાં ખાબકી
વનવિભાગની ટીમ અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સિંહણને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. લગભગ એક કલાકની સઘન જહેમત બાદ વનવિભાગની ટીમે સિંહણને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સિંહણને કોઈ ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. સફળતાપૂર્વક સિંહણને બહાર કાઢ્યા બાદ તેને વધુ સારવાર અને દેખરેખ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે.













