તાલાલા તાલુકાના રાતીધાર ગામમાં એક દુઃખદ ઘટના બની છે. જ્યાં એક 45 વર્ષીય મહિલાએ પોતાના પગમાં મોટો પથ્થર બાંધીને કૂવામાં કૂદીને આપઘાત કરી લીધો છે. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. જેના કારણે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મૃતક મહિલાની ઓળખ સવિતાબેન રાજેશભાઈ કાલસરિયા તરીકે થઈ છે. આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ પગમાં મોટો પથ્થર બાંધી કૂવામાં ઝંપલાવ્યું
આ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. વધુ માહિતી માટે ફાયર બ્રિગેડની ટીમે વોટર ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. આ ટેકનોલોજીની મદદથી મહિલાનો મૃતદેહ કૂવામાંથી શોધી કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.













