ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીની નોંધણીમાં વિલંબ થઈ રહ્યો છે. વહેલી સવારથી સર્વર ડાઉન હોવાથી ખેડૂતોનું રજિસ્ટ્રેશન અટક્યું છે. ગત રાત્રીથી ટેકાના ભાવે ખરીદીની નોંધાણી માટે ગ્રામ પંચાયતમાં લાઈનો લગાવીને બેસી રહેલા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત કક્ષાએ એક જ VCE મારફતે રજિસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે.


ખેડૂતો ગઈકાલ રાત્રીથી જ ગ્રામ પંચાયતો પર લાઈનમાં ઉભા રહ્યા

ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ 2025-26 માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ આજથી ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ સર્વર ડાઉન થઈ જતા નોંધણી માટે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો વહેલી નોંધણી થઈ જાય તે માટે ગઈકાલ રાત્રીથી જ ગ્રામ પંચાયતો પર લાઈનમાં ઉભા રહ્યા છે. પરંતુ સર્વર ડાઉન થવાના કારણે સુત્રાપાડા અને કોડીનાર સહિતના તાલુકાઓમાં નોંધણી પ્રક્રિયા અટકી પડી છે અને ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે.

ખેડૂતોને ધીરજ રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો

આ મામલે ગીર સોમનાથ જિલ્લા મદદનીશ ખેતીવાડી અધિકારી અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે એક સાથે ખેડૂતોના ધસારાના કારણે સર્વરમાં ખામી સર્જાઈ હોઈ શકે છે. આ મામલે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે. આ ઉપરાંત સહકારી મંડળીઓ મારફતે નોંધણીની પણ રજુઆત કરવામાં આવી છે. ખેડૂતોને ધીરજ રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો છે. જિલ્લામાં કોઈ પણ ખેડૂતનું રજિસ્ટ્રેશન બાકી રહી ન જાય તે માટે જિલ્લા ખેતીવાડી કચેરી કટીબદ્ધ છે. ગીર સોમનાથ જિલ્લામાં ગત વર્ષે મગફળીમાં 20,000 જેટલા, જ્યારે સોયાબીનમાં 4,500 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે ગત વર્ષની સાપેક્ષમાં ખેડૂતોનું રજિસ્ટ્રેશન વધવાની શકયતા પણ વ્યક્ત કરી છે. આ વર્ષે જિલ્લામાં કુલ 1,53,326 હેકટર વાવેતર પૈકી સૌથી વધુ 90,830 હેકટરમાં મગફળી, જ્યારે 27,764 હેકટરમાં સોયાબીનનું વાવેતર થયેલું છે.

  • Follow us on: