એશિયાટિક સિંહો અને સમૃદ્ધ જંગલ સંપત્તિનું રક્ષણ કરતા ગીર સોમનાથ જિલ્લાના વનરક્ષકો (ફોરેસ્ટ ગાર્ડ) અને વનપાલો (ફોરેસ્ટર)એ પોતાના વર્ષોથી પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે. વનકર્મીઓ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખ પ્રશાંત વાળાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વનકર્મીઓ વેરાવળ ખાતે આવેલી ડીસીએફ (DCF) કચેરીએ પહોંચ્યા હતા અને સરકારને ઢંઢોળતું આવેદનપત્ર પાઠવી વિરોધનો સૂર બુલંદ કર્યો હતો.

રૂ. 2800 ગ્રેડ-પે, સુરક્ષા એલાઉન્સ અને બઢતી સહિતની મુખ્ય માગણીઓ

વનકર્મીઓની મુખ્ય માગણીઓમાં વનરક્ષકો માટે રૂ. 2800 અને વનપાલ માટે રૂ. 4200 નો ગ્રેડ-પે આપવો, જોખમી ફરજ માટે સુરક્ષા એલાઉન્સ ચૂકવવું, અને રજાના દિવસે ફરજ બજાવતા કર્મચારીઓને પૂરતું નાણાકીય વળતર આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વનપાલની જગ્યાઓ પર સીધી ભરતી કરવાને બદલે અનુભવી વનરક્ષકોને બઢતી (પ્રમોશન) આપવાની અને વર્ષોથી અટવાયેલી બદલીઓના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2022ના આંદોલન સમયે આપેલી ખાતરીઓનો અમલ ન થતાં વનકર્મીઓમાં ભારે રોષ વ્યાપેલો છે.

પેનડાઉન, માસ CL અને અચોક્કસ મુદતની હડતાળની આકરી ચીમકી

આંદોલનના પ્રથમ તબક્કા તરીકે વનકર્મીઓએ સરકારી કાર્યક્રમોમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે. આ સાથે પેનડાઉન કાર્યક્રમ યોજી તમામ સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરાઈ છે. વનકર્મીઓએ સ્પષ્ટ કર્યું છે કે વન્યજીવોના રેસ્ક્યૂ સિવાયની તમામ વહીવટી કામગીરી બંધ કરી દેવામાં આવશે. જો પાંચેય માંગણીઓ નહીં સંતોષાય તો માસ સીએલ (Mass CL) બાદ અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે, જેનાથી વન વિભાગનું સંચાલન ખોરવાઈ જવાની પૂરતી ભીતિ છે.

આ પણ વાંચો : Surat News : જેલ છે કે રંગેચંગે ચાલતી મોજશોખની દુકાન? લાજપોર જેલમાંથી ફરી મળ્યા મોબાઈલ ફોન અને પછી...