ગીર સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર દર્શનાર્થે અને પવિત્ર સ્નાન અર્થે આવતી મહિલા શ્રદ્ધાળુઓની ગોપનીયતા તેમજ સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે પહોંચે છે, પરંતુ સ્નાન કર્યા બાદ મહિલાઓ માટે કપડાં બદલવા યોગ્ય કે સુરક્ષિત ચેન્જિંગ રૂમ ઉપલબ્ધ ન હોવાનો ગંભીર આક્ષેપ યાત્રિકો દ્વારા કરવામાં આવ્યો છે. આ પવિત્ર સ્થળે મહિલાઓની પ્રાઈવસી જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
મહિલાઓ ખુલ્લામાં કપડાં બદલવા મજબૂર
ઘાટ પર ઉભી કરવામાં આવેલી સુવિધાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ત્રિવેણી સંગમ ઘાટ પર બનાવેલા કાયમી ચેન્જિંગ રૂમ મોટાભાગે તાળાં મારેલી બંધ હાલતમાં જોવા મળે છે, જ્યારે મહિલાઓની સુવિધા માટે મૂકવામાં આવેલા પ્લાસ્ટિકના ચેન્જિંગ બોક્સ પણ તૂટીને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ પરિસ્થિતિના કારણે પવિત્ર સ્નાન કર્યા બાદ મહિલા શ્રદ્ધાળુઓને આડશ શોધવા માટે દોડધામ કરવી પડે છે અથવા તો નાછૂટકે ખુલ્લામાં જ કપડાં બદલવાની નોબત આવે છે.
