ગુજરાતના શૈક્ષણિક જગતને શર્મસાર કરતી અને સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલતી એક ચોંકાવનારી ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી સામે આવી છે. ઉનાની નાંડોળા B.Ed કોલેજ છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણપણે બોગસ (ગેરકાયદેસર) રીતે ચાલતી હોવાનો સનસનાટીપૂર્ણ આરોપ લાગ્યો છે. દિલ્હીની નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ની કથિત બોગસ મંજૂરીના આધારે આ કોલેજમાં વર્ષ 2023થી ધમધમાટ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


 93 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને પ્રવેશ

સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, આ ગંભીર કૌભાંડમાં દર વર્ષે અંદાજે 93 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતો હતો. આ મામલે ગત 2 માર્ચના રોજ સત્તાવાર રીતે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પરંતુ, ફરિયાદ નોંધાયાને 4 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, પોલીસ દ્વારા હજુ સુધી એક પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, જેને પગલે પોલીસ તપાસની ધીમી ગતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

 માત્ર 8થી 10 લોકોના જ નિવેદનો લેવામાં આવ્યા

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં માત્ર 8થી 10 લોકોના જ નિવેદનો લેવામાં આવ્યા છે. જોકે, તપાસનો દોર છેક દિલ્હી NCTE હેડક્વાર્ટર સુધી પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, વર્ષો સુધી મહેનત કરીને ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડિગ્રીની માન્યતા જળવાઈ રહે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

શૈક્ષણિક ભૂમાફિયાઓ સામે ક્યારે કાર્યવાહી

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ત્રણ-ત્રણ વર્ષ સુધી ખુલ્લેઆમ ખેલ ખેલનારા આ શૈક્ષણિક ભૂમાફિયાઓ અને જવાબદારો સામે તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી રોષે ભરાયેલા વાલીઓ અને સંગઠનો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો----   Gujarat Latest News LIVE : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

  • Follow us on: