વેરાવળ નજીક ડાભોર રોડ પર વહેલી સવારે ચકચાર જગાવનારી ઘટના બની છે. વિમ્સ હોસ્પિટલ નજીક આવેલી નિલ રેસિડેન્સીમાં પાર્ક કરેલી દરજી સમાજના અગ્રણી મોહન ઘેરવડાની ક્રેટા કારને અજાણ્યા ઇસમો દ્વારા સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. અજાણ્યા ઇસમોએ મોહન ઘેરવડાના મકાન પાસે પાર્ક કરેલી કારને નિશાન બનાવી સળગાવી દીધી હતી.


મકાન પાસે પાર્ક કરેલ કાર સળગાવતા ચકચાર

આગ લાગવાની જાણ થતાં જ ફાયર ફાઇટરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે. કાર સળગાવવાની આ ઘટના પાછળ મોહન ઘેરવડાએ ચોક્કસ ઇસમોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સમાજમાં ચાલતી આંતરિક માથાકૂટને કારણે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા છે. મોહન ઘેરવડાએ આ મામલે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રભાસપાટણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

પોલીસે પણ આ અજાણ્યા ઇસમોના કૃત્ય અને તેની પાછળના કારણો જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમાજના આંતરિક વિવાદમાં આ પ્રકારનું કૃત્ય થયું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તેમજ મોહન ઘેરવડાના આક્ષેપોના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.


  • Follow us on: