પંચમહાલના ગોધરા શહેરમાં મોડીફાઇડ સાયલેન્સર લગાવીને બુલેટ ચલાવતા ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં મોટા અવાજ સાથે બુલેટ ચલાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને જાહેર માર્ગો પર લોકોને પરેશાન કરતા ચાલકોને અટકાવવા પોલીસની વિવિધ ટીમો મેદાનમાં ઉતરી હતી. સીટી ટ્રાફિક પોલીસ, શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી.
16 બુલેટ મોટરસાયકલ ડિટેઇન, સાયલેન્સર પણ દૂર કરાયા
પોલીસની કાર્યવાહીમાં મોડીફાઇડ સાયલેન્સર લગાવેલી કુલ 16 બુલેટ મોટરસાયકલ ડિટેઇન કરવામાં આવી હતી. આ બુલેટમાંથી મોટા અવાજ કરતા મોડીફાઇડ સાયલેન્સર પણ દૂર કરી દેવામાં આવ્યા હતા. જાહેર માર્ગો પર બુલેટના મોટા અવાજથી ધ્વનિ પ્રદૂષણ થતું હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પોલીસે આ કાર્યવાહી કરી છે.
