વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના મંત્રને સાર્થક કરવા તેમજ ગુજરાતની પ્રજાનો સર્વ સમાવેશી, સર્વસ્પર્શી અને સર્વાંગી વિકાસ કરવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. ગુજરાત માટે વિકાસની પરિભાષા એટલે એવો વિકાસ કે જેમાં "સર્વજન હિતાય સર્વજન સુખાય"ની ભાવના અને આ ભાવના સાથે જોડાયેલી વિકાસયાત્રામાં યુવા, મહિલા, ખેડૂત અને ગરીબના વિકાસની ચિંતા કરીને, વ્યથા નહિ પણ વ્યવસ્થા સાથે આ ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે.


સ્વાભિમાન પર્વનો સંદેશ નવી પેઢીમાં પ્રેરણા આપનારો

તેમણે ઉમેર્યું હતું કે, માત્ર ગુજરાતની જ નહીં, સમગ્ર ભારત વર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વિનાશથી વિકાસની સફરનું સાક્ષી એટલે સોમનાથ. ૧૨ જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ ઉપર એક કરતાં વધુ વખત થયેલા આક્રમણો બાદ પણ મંદિર અડીખમ ઉભું રહ્યું હતું.વર્ષ ૧૦૨૬થી ૨૦૨૬ સુધી સંઘર્ષ, શૌર્ય, વીરતા, સ્વાભિમાન અને અતૂટ શ્રધ્ધાના એક હજાર વર્ષ સાથે સ્વાભિમાન પર્વનો સંદેશ નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિની ગાથાને આત્મસાત કરવાની પ્રેરણા આપનારો ઉત્સવ બની રહ્યો છે.અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ તથા ધરતીઆબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનું આ વર્ષ એક ઐતિહાસિક વર્ષ બની રહ્યું છે.

ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલી

મંત્રી પટેલે કહ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૧થી ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ ૧૫ નવેમ્બરને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે મનાવવાની જાહેરાત કરી અને સમગ્ર દેશમાં ૨૦૨૫નું વર્ષ ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના ભાગરૂપે માં અંબાજીની પવિત્ર ધરતીથી એકતાનગર સુધી ૭૧૩ કિ.મી. અને વલસાડના ઉમરગામના કલગામ હનુમાનજી મંદિરથી એકતાનગર સુધી ૬૬૫ કિ.મી. મળી કુલ ૧૩૭૮ કિ.મી.ના આદિજાતિ વિસ્તારને આવરી લેતી ‘‘જનજાતિય ગૌરવ યાત્રા’’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં નાગરિકોએ અનેક સ્થળો ઉપર ભાગ લઇ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હર્ષોલ્લાસ સાથે આ યાત્રાના વધામણા કર્યા હતા.


આ પણ વાંચોઃ Rajkot News: RTOમાં એક બે નહીં 30 જેટલા એજન્ટો પકડાયા, ટ્રાયલ વિના લાઈસન્સ કઢાવવાના ચાર હજાર વસૂલતા હતાં



  • Follow us on: