ગુજરાતના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરીને શિક્ષકોની અછત દૂર કરવા માટે મોટો નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગની દરખાસ્તને આધારે રાજ્ય સરકારે યોજનાની કેટલીક મુખ્ય જોગવાઈઓમાં ફેરફાર મંજૂર કર્યા છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રે રાહતની લાગણી જોવા મળી રહી છે.

મહત્તમ વયમર્યાદા 40 વર્ષથી વધારીને 48 વર્ષ કરવામાં આવી

નવી જોગવાઈ મુજબ જ્ઞાન સહાયક તરીકે નિમણૂક માટેની મહત્તમ વયમર્યાદા 40 વર્ષથી વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. એટલે કે ઉમેદવારોને હવે 8 વર્ષનો વધારાનો લાભ મળશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી વધુ અનુભવી અને લાયક ઉમેદવારોને તક મળશે તેમજ શાળાઓમાં શિક્ષકોની અછત ઘટાડવામાં મદદ મળશે. સુધારેલા નિયમો અનુસાર ઉમેદવારોની પસંદગી TET-1 અને TET-2માં મેળવેલા ગુણના આધારે તૈયાર થતી મેરીટ યાદી દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા વધુ પારદર્શક અને ગુણાધારિત બને તે માટે સરકાર દ્વારા આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

એકથી વધુ જિલ્લામાં અરજી કરવાની મંજૂરી નહીં હોય

રાજ્ય સરકારે અરજદારો માટે પણ એક મહત્વપૂર્ણ નિયમ નક્કી કર્યો છે. હવે ઉમેદવાર માત્ર એક જ જિલ્લાની પસંદગી કરીને અરજી કરી શકશે. એકથી વધુ જિલ્લામાં અરજી કરવાની મંજૂરી નહીં હોય. આ નિર્ણયથી ભરતી પ્રક્રિયા વધુ વ્યવસ્થિત અને સરળ બનશે. જ્ઞાન સહાયકની નિમણૂક કરાર આધારિત રહેશે. જોકે સંબંધિત શાળામાં કાયમી શિક્ષકની નિમણૂક થતાં જ જ્ઞાન સહાયકનો કરાર આપમેળે સમાપ્ત થઈ જશે. સરકારના જણાવ્યા અનુસાર આ યોજના શિક્ષકોની ખાલી જગ્યાઓને તાત્કાલિક ધોરણે ભરવા માટે બનાવવામાં આવી છે.

શિક્ષણ વિભાગનું કહેવું છે કે કરાર આધારિત વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે આ સુધારા જરૂરી હતા. નવા નિયમો અમલમાં આવતા રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધશે અને શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

આ પણ વાંચો : Gujarat weather: 8 જિલ્લામાં રેડ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે