ગુજરાત રાજ્યમાં હવે ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે અને આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતવાસીઓને ગરમીનો વધુ સામનો કરવો પડી શકે છે.
34.3 ડિગ્રી સાથે ડીસામાં સૌથી ઉંચુ તાપમાન નોંધાયું
ઉત્તર ગુજરાત વિસ્તારમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમ સક્રિય બની છે. આ હવામાન સિસ્ટમ સક્રિય થતા રાજ્યના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય રીતે આવી સિસ્ટમના પ્રભાવથી પવનની દિશામાં ફેરફાર થાય છે અને સૂકા તથા ગરમ પવન ફૂંકાતા તાપમાનમાં વૃદ્ધિ જોવા મળે છે. તાજેતરના આંકડા મુજબ ડીસા શહેરમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અન્ય શહેરોમાં પણ તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે.













