વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.


કેટલો છે તુવેરનો ટેકાનો ભાવ?

વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ રૂપિયા 8000 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1600 પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે.

નોંધણી કરાવેલા ખેડૂતોને SMSથી કરવામાં આવે છે જાણ

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને આશરે 130 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. આ ખરીદ કેન્દ્રો ખાતેથી આગામી 23 ફેબ્રુઆરીના રોજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોને SMSથી ખરીદી માટેની અગાઉથી જાણ કરવામાં આવશે અને SMS મળ્યેથી ફાળવેલ ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોએ જથ્થા સાથે ઉપસ્થિત રહી આ યોજનાનો લાભ મેળવવા કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે. કૃષિ મંત્રીએ ખાતરી આપી છે કે રાજ્ય સરકાર દ્વારા તુવેર પાકની નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકારે તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે.

આ પણ વાંચો : Kunwarbai Nu Mameru Yojana: કુંવર બાઈનું મામેરું યોજનામાં હજારો કન્યાઓને મળી સહાય


  • Follow us on: