ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક મદદ પૂરી પાડવાના હેતુથી ચલાવવામાં આવતી 'કુંવરબાઈનું મામેરું' યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદ્યુમન વાજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજારો કન્યાઓને આ યોજનાનો સીધો લાભ મળ્યો છે.
ભાવનગર અને મહેસાણાના આંકડા
મંત્રીએ રજૂ કરેલા આંકડા મુજબ, છેલ્લા બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં 13,880 કન્યાઓને સહાય આપવામાં આવી છે. જ્યારે મહેસાણા જિલ્લામાં 5,022 કન્યાઓને આ આર્થિક મદદનો લાભ મળ્યો છે. આ આંકડા દર્શાવે છે કે, છેવાડાના પરિવારો સુધી આ યોજનાનો વ્યાપ પહોંચ્યો છે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
- આવક મર્યાદા: જે પરિવારોની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની છે, તેવા તમામ પરિવારોની કન્યાઓને આ સહાય મળવાપાત્ર છે.
- સહાયની રકમ: લાયક કન્યાઓને લગ્ન પ્રસંગે રૂપિયા 12,000ની આર્થિક સહાય આપવામાં આવે છે.
- પારદર્શક પ્રક્રિયા: સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હોવાથી તે સંપૂર્ણપણે ફેસલેસ, પેપરલેસ અને પારદર્શક છે.
- DBT પેમેન્ટ: સહાયની રકમ સીધી જ કન્યાના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) મારફતે જમા કરવામાં આવે છે, જેથી વચેટિયાઓનો ડર રહેતો નથી.
સરકારની આ પહેલથી ગરીબ પરિવારો પર દીકરીના લગ્નનો આર્થિક ભાર હળવો થયો છે અને દીકરીઓના સન્માનમાં વધારો થયો છે.
આ પણ વાંચો - એક વર્ષમાં 46,915 કરોડનો વધારો, જાણો ગુજરાત પર કેટલા કરોડનું દેવું?