ગુજરાત સરકારની આર્થિક સ્થિતિ અને વધતા જતા દેવાને લઈને વિધાનસભા ગૃહમાં મહત્વની વિગતો રજૂ કરવામાં આવી છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે કબૂલાત કરી છે કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતના દેવાનો આંકડો આંખો ચોંકાવી દે તેટલી ઝડપે વધ્યો છે. વર્ષ 2024-25 ના અંત સુધીમાં રાજ્યનું કુલ દેવું અંદાજે 4 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે.
દેવાના ચોંકાવનારા આંકડા
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ 2023-24માં રાજ્યનું દેવું રૂપિયા 3,52,718 કરોડ હતું, જે વર્ષ 2024-25માં વધીને રૂપિયા 3,99,633 કરોડ પર પહોંચ્યું છે. આમ, માત્ર એક જ વર્ષમાં દેવામાં અંદાજે લગભગ 47 હજાર કરોડ રૂપિયાનો જંગી વધારો જોવા મળ્યો છે. એક વર્ષમાં રાજ્ય પરના દેવામાં 46,915 કરોડ જેટલો જંગી વધારો થયો છે.













