ગુજરાતના દક્ષિણભાગમાં લેપ્ટોસ્પાયરોસિસ બીમારીના કારણે ખેડૂતોના મોત થયાની ઘટના સામે આવી છે. રાજ્યમાં કોરોના વાયરસ બાદ વધુ એક બીમારીનો કહેર જોવા મળ્યો. કેમ ખેડૂતો મોટા પ્રમાણમાં આ બીમારીના શિકાર થઈ રહ્યા છે તેને લઈને ચર્ચા થઈ રહી છે. લેપ્ટોસ્પાયરોસિસ (Leptospirosis) એ એક બેક્ટેરિયાના કારણે થતો રોગ છે. આ રોગના દર્દીને નિદાન થયા બાદ મોતનું જોખમ વધુ રહે છે.
કઈ રીતે ફેલાય છે આ બીમારી
લેપ્ટોસ્પાયરોસિસ બીમારી એ બેક્ટેરિયલ ચેપથી થતો રોગ છે. આ રોગ મુખ્યત્વે વરસાદી સિઝનમાં જોવા મળ છે. પાલતુ અને જંગલી પ્રાણીઓના મૂત્ર દ્વારા આ બીમારી ફેલાય છે. પ્રાણીઓના મૂત્ર પાણી કે ભેજવાળી જમીનમાં ફેલાય છે. જે લોકો તેના સંપર્કમાં આવે છે તેમનામાં આ બેકટેરિયા ચામડી, આંખ, મોઢા અથવા નાકના સંપર્કમાં આવી શરીરમાં પ્રવેશે છે.
આ લોકો વધુ શિકાર થાય છે
આ બેકટેરિયા શરીરમાં પ્રવેશ કરતા વ્યક્તિ લેપ્ટોસ્પાયરોસિસ બીમારીનો શિકાર થાય છે. ખાસ કરીને ખેડૂતો વરસાદી સિઝનમાં ખુલ્લા પગે ખેતરોમાં વાવણીનું કામ કરતા હોય છે. અને એટલે જ તેઓ જમીન અને પાણીના સંપર્કમાં જલદી આવે છે જ્યાં પ્રાણીઓ દ્વારા મૂત્ર ત્યાગ કરવામાં આવ્યો. આ ઉપરાંત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો પણ તેમની આસપાસ પ્રાણીઓના સંપર્કમાં આવતા આ રોગના શિકાર થાય છે.
લેપ્ટોસ્પાયરોસિસ રોગના લક્ષણો
ચોમાસામાં કોલેરા અને ટાઈફોઈડની જેમ લેપ્ટોસ્પાયરોસિસ બીમારીનો પ્રકોપ પણ જોવા મળે છે. લેપ્ટોસ્પાયરોસિસના લક્ષણોમાં દર્દીને શરૂઆતના સમયમાં માથાનો દુખાવો, સ્નાયુનો દુ:ખાવો, અને તાવ આવવો તેમજ વધુ પડતી શરદી દેખાય છે. જ્યારે બીજા સ્ટેજ પરના લક્ષણોમાં કેટલીક વખત દર્દીઓને કફના કારણે ફેફસામાંથી લોહી વહેવું તેવી સમસ્યા પણ જોવા મળે છે.
આ સમસ્યા વધુ ગંભીર બની શકે
આ રોગના દર્દીને જ્યારે ફેફસામાંથી ખૂબ લોહી વહેતું હોય તો તેને ગંભીર પલ્મનરી હેમરેજ સિન્ડ્રોમ” તરીકે ઓળખવામાં આવે છે. અને આ રોગના દર્દીને જો કમળો થાય તો કિડની ફેલ થવાનું જોખમ વધુ રહે છે. અને વધુ પડતો રક્તસ્ત્રાવ થતા દર્દી કોમામાં જવાનું પણ જોખમ રહે છે. એટલે જ આ રોગ વધુ જીવલેણ માનવામાં આવે છે.
સ્વચ્છતા એ જ નિદાન
રોગને અટકાવવાના પ્રયત્નોમાં સંભવિત રીતે ચેપિત પ્રાણીઓ સાથે કામ કરતી વખતે સંપર્ક ટાળવો તેમજ પ્રાણીઓના સંપર્ક પછી યોગ્ય રીતે હાથ ધોવા જોઈએ. પ્રાણીઓના સંપર્ક બાદ લોકોએ સ્વચ્છતા મામલે યોગ્ય પગલાં લેવા જોઈએ. એવો અંદાજ લગાવવામાં આવેલ છે કે એક વર્ષમાં સિત્તેર લાખથી એક કરોડ લોકો લેપ્ટોસ્પાયરોસિસ દ્વારા અસરગ્રસ્ત થાય છે.