રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, બપોરે 30 થી 32 ડિગ્રી મહતમ તાપમાન રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે, દાહોદમાં સૌથી ઓછુ 12.13 ડિગ્રી તાપમાન છે, રાજ્યમાં ધીરેધીરે ઠંડીનું જોર વધશે.
સૌરાષ્ટ્રમાં મામૂલી તફાવતે ઠંડીમાં સામાન્ય વધારો-ઘટાડો નોંધાયો છે
અમરેલીમાં ગઈકાલ કરતા આજે ઠંડીની માત્રામાં વધારો થયો છે. જ્યારે રાજકોટ અને રાજ્યના સૌથી ઠંડા શહેર ગણાતા નલીયામાં એક સમાન લઘુતમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં ધીમેધીમે શિયાળો રફતાર પકડી રહ્યો છે.
ગુજરાતમાં 18 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડશે
સૌરાષ્ટ્રમાં આજે સૌથી ઠંડુ શહેર અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર થયો હતો. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતા લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોથી સહારો લઈ રહ્યા છે. રાજકોટમાં ગઈકાલ કરતા આજે ઠંડીમાં વધારો થયો છે સવારમાં ધૂમ્મસના આવરણ વચ્ચે તાપમાન નીચે સરકી જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. શહેરનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રીએ પહોચી ગયું હતું જે આ સિઝનનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છે.
બપોરના સમયે પડી શકે છે ગરમી
છેલ્લા ચાર દિવસમાં શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ચાર-પાંચ ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો છે. જ્યારે બપોરે મહતમ તાપમાન ૩૨.૨ ડિગ્રી નોંધાયું હતું. જયારે કેશોદમાં ૧૫.૮, દીવમાં ૧૬.૦, સુરેન્દ્રનગરમાં ૧૯.૫, પોરબંદરમાં ૧૬.૭, ભાવનગરમાં ૧૭.૦, વેરાવળમાં ૧૯.૮, દ્વારકામાં ૨૧.૦, ઓખામાં ૨૨.૨ અને કચ્છના નલીયામાં ૧૪.૭, કંડલા એરપોર્ટમાં ૧૫.૪ અને ભૂજમાં ૧૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.