ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રાજસ્થાનના એક 6 વર્ષના માસૂમ બાળકનું આ ઘાતક વાયરસના કારણે મોત નીપજ્યું છે.
રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ચાર દિવસ પહેલાં આ બાળકની તબિયત લથડતા તેને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ સિવિલ પ્રશાસન અને સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.
ચાંદીપુરા વાયરસના કુલ 5 શંકાસ્પદ કેસ
આ ઘટના બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 5 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, રાહતની વાત એ છે કે આ 5 પૈકીના બે બાળકોના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે અન્ય બે શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ હજુ આવવાના બાકી છે, જેની તબીબો દ્વારા રાહ જોવાઈ રહી છે. હાલ સિવિલના સ્પેશિયલ વોર્ડમાં આ દર્દીઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
તાત્કાલિક અસરથી સઘન સર્વેલન્સની કામગીરી શરૂ
બીજી તરફ, વાયરસના કારણે થયેલા મોતના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સઘન સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે વિસ્તારોમાંથી શંકાસ્પદ કેસો સામે આવ્યા છે ત્યાં વહીવટી તંત્રની ટીમો મોકલીને સેનિટાઈઝેશન, પાવડર ડસ્ટિંગ અને મચ્છરો-જીવાતોના નાશ માટે ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જો બાળકોમાં અચાનક તીવ્ર તાવ, ઉલ્ટી કે ખેંચ જેવા લક્ષણો દેખાય, તો તેને સામાન્ય તાવ ન ગણીને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા.
આ પણ વાંચો---- US Iran War: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા, અમેરિકા અને ઈરાન વચ્ચે સામ સામે હુમલા, 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર કબ્જા માટે ફરી જંગ શરુ, Video