હુડા નોટિફીકેશનના વિરોધમાં હિંમતનગરમાં ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે. હુંડાના વિરોધ માટે બનાવાયેલી હુડા સંકલન સમિતિએ આગામી 13 નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપતા મામલો ગરમાયો છે.
કાંકણોલમાં વિરોધ સભા પણ યોજાઇ હતી
હિંમતનગરમાં હુડાનો વિરોધ પ્રબળ બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા હુડાના વિરોધ બાદ હવે આંદોલન ધીમે ધીમે ઉગ્ર બની રહ્યું છે. તાજેતરમાં પણ હુડાના વિરોધ માટે કાંકણોલમાં વિરોધ સભા પણ યોજાઇ હતી
13 નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન
હવે આ મુદ્દાને લઇને આગામી 13 નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. હુડા નોટિફીકેશનનો વિરોધ કરી રહેલી હુડા સંકલન સમિતિએ 13 નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપ્યું છે.
હુડા મામલે સરકારને વધુ એકવાર રજૂઆત કરાશે
બંધને વેપારી એસોસિએશને પણ ટેકો આપ્યો છે અને હિંમનગર સજ્જડ બંધ રાખવાની હાકલ કરાઇ છે. હુડા સંકલન સમિતિને 18થી વધુ સંગઠનનો ટેકો મળ્યો છે. હવે હુડા મામલે સરકારને વધુ એકવાર રજૂઆત કરાશે
અન્ય તાલુકાના લોકોએ પણ ટેકો જાહેર કર્યો
હુડાના વિરોધમાં હવે હિંમતનગર સહિત પ્રાંતિજ અને તલોદ તાલુકો પણ હુડા સંકલન સમિતિના ટેકામાં આવ્યો છે અને આવનારા સમયમાં ઈડર તેમજ વડાલી તાલુકો પણ જોડાવાની સંભાવના છે.
જ્યાં સુધી હુડા હટશે નહીં ત્યાં સુધી અમે લડી લઇશું
હુડા સંકલન સમિતિનું કહેવું છે કે હુડા મામલે સરકાર સામે વધુ એક વાર રજૂઆત કરાશે અને જ્યાં સુધી હુડા હટશે નહીં ત્યાં સુધી અમે લડી લઇશું. સમિતિએ કહ્યું છે કે આવનાર સમયમાં આનાથી પણ મોટા અલગ અલગ કાર્યક્રમો કરીશું. છેલ્લા 55 દિવસ થી ચાલતું આંદોલન હવે 11 ગામ પુરતું સીમિત રહ્યું નથી. અને આંદોલનમાં હિંમતનગર સહિત અન્ય ગામોના લોકો પણ જોડાયા છે.