સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 'હુડા'(HUDA)ના નોટિફિકેશન વિરુદ્ધનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે.ખેડૂતોની મહામૂલી જમીનો કપાતમાં જવાની ભીતિથી અસરગ્રસ્ત 11 ગ્રામ પંચાયતોના લોકોએ આજે વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો હતો. આજે વિજયાદશમીના પવિત્ર દિવસે જેમ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો તેમ આ ગ્રામજનોએ પણ તેમની જમીન છીનવનારા 'હુડા'ને 'અસૂર' (રાક્ષસ) ગણીને તેનું દહન કર્યું અને સખત વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે જ્યાં સુધી આ નોટિફિકેશન રદ નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.


આજે વિજયાદશમીનો પર્વ 'સંઘર્ષ પર્વ' બની ગયો છે

હિંમતનગર નજીકના હડિયોલ ગામ સહિત 11 ગામડાંના ખેડૂતો માટે આજે વિજયાદશમીનો પર્વ 'સંઘર્ષ પર્વ' બની ગયો છે.છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું આ આંદોલન આજે 'હુડા સૂર દહન' કાર્યક્રમ સાથે વધુ ઉગ્ર બન્યું છે. એક તરફ જ્યારે રાજ્યમાં દશેરાની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ગ્રામજનોએ એકઠા થઈને હુડાના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.તેમનો આરોપ છે કે હુડાના આ નોટિફિકેશનને કારણે તેમની ખેતીની જમીન જઈ રહી છે.આ તમામ ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, અને જમીન છીનવાઈ જવાથી તેઓ રોજી-રોટી વિહોણા થઈ જશે.

જમીન માત્ર સંપત્તિ નથી,પરંતુ તેમની જીવાદોરી છે

લોકોનું કહેવું છે કે, આ વિસ્તારના ખેડૂતો માટે જમીન માત્ર સંપત્તિ નથી,પરંતુ તેમની જીવાદોરી છે.જો નોટિફિકેશન અમલમાં આવશે તો કેટલાક ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બની જશે. જે તેમના પરિવારના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યું છે.છેલ્લા એક મહિનાથી ગ્રામજનોએ અલગ-અલગ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે.આવેદનપત્રો આપવાથી લઈને ધરણાં, રેલીઓ અને આજે 'અસૂર દહન' સુધીના કાર્યક્રમો આપીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગામડાના લોકો સ્પષ્ટ સંકલ્પ સાથે મેદાનમાં છે કે જ્યાં સુધી આ હુડાનું નોટિફિકેશન રદ નહીં થાય, ત્યાં સુધી તેમનું આંદોલન સતત ચાલુ રહેશે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ ઉગ્ર રજૂઆત સામે તંત્ર ક્યારે અને કેવો પ્રતિસાદ આપે છે.


  • Follow us on: