સાબરકાંઠામાં સાબરડેરીમાં ભાવ ફેર મુદ્દે પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. હજારોની સંખ્યામાં ઉમટેલા ખેડૂતો અને પશુપાલકોએ હંગામો મચાવ્યો હતો. પશુપાલકોએ હિંમતનગર તલોદ વચ્ચેનો મુખ્યમાર્ગ બંધ કર્યો હતો. રોડ પર બેસીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. પશુપાલકોએ ડેરી સામે 25 ટકા સુધીનો ભાવફેર ચૂકવવા માગ કરી છે.ખેડૂતોના ટોળા ઉમટતા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયર ગેસના 50 સેલ છોડ્યા હતાં. આ ઉપરાંત 20થી વધુ પશુપાલકોને રાઉન્ડ અપ કર્યા હતાં.


ટોળાની તોડફોડમાં પોલીસના ચાર વાહનોને નુકસાન પહોંચ્યું

સાબર ડેરીમાં આજે ભાવ ફેર મુદ્દે પશુપાલકોએ હોબાળો કર્યો હતો. આ દરમિયાન ડેરીના સત્તાધિશો અને અધિકારીઓ નહીં મળતા પશુપાલકોએ આંદોલન ઉગ્ર કર્યું હતું. ડેરીની બહાર મોટી સંખ્યામાં પશુપાલકો ભેગા થયા હતાં. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પશુપાલકોએ પથ્થરમારો કરતાં 8 લોકોને ઈજા પહોંચી હતી. ટોળાની તોડફોડમાં પોલીસના ચાર વાહનોને નુકસાન પહોંચ્યું છે.

લાઠીચાર્જ કરીને 50 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા

પોલીસે પશુપાલકો પર લાઠીચાર્જ કરીને 50 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. આ અથડામણમાં પોલીસના ચાર કર્મચારીઓને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત આઠ જેટલા લોકોને નાની નોટી ઈજા પહોંચી હતી. પશુપાલકોએ હિંમતનગર અને તલોદ માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. પશુપાલકોએ બંધ કરેલા મુખ્ય માર્ગો ખુલ્લા કરવામાં આવ્યાં છે. પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે, જેઓ દૂધના ભાવફેરમાં 20 થી 25 ટકા જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

  • Follow us on: