ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે સારો વરસાદ થયો છે. ત્યારે સાબરકાંઠાના વડાલીમાં ભર ચોમાસે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસથી વડાલી શહેરમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓ નગરપાલિકામાં પહોંચી હતી અને હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતાં. પાણીનો વિરોધ કરવા આવેલી મહિલાઓ રણચંડી બનતાં અધિકારીઓ પણ રવાના થઈ ગયા હતાં.


વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ

સાબરકાંઠાના વડાલીમાં ભર ચોમાસે છેલ્લા 10 દિવસથી લોકોને પાણી નથી મળ્યું. પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓ નગરપાલિકામાં પહોંચી હતી. મહિલાઓ નગરપાલિકાના બહાર હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતાં. પાણી માટે પાલિકાના સત્તાધિશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. પાણી નહીં મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. પાણીની સમસ્યા વચ્ચે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

મહિલાઓએ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો

વડાલીમાં મહિલાઓ પાણી માટે વિરોધ કરવા આવી ત્યારે અધિકારીઓ ઓફિસમાંથી ગાયબ થઈ ગયા હતાં. પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારીઓ પાલિકા છોડીને પલાયન થઈ ગયા હતાં. મહિલાઓનો વિરોધ ઉગ્ર બનતાં પોલીસ પણ પહોચી હતી. છેલ્લા 10 દિવસથી પાણી નહીં આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓએ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.


  • Follow us on: