સાબરકાંઠા જિલ્લાના ઇડર અને વડાલી પંથકમાં હવામાનનો અચાનક પલટો જોવા મળ્યો છે. બપોર બાદ આ વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઇડર અને વડાલી શહેરો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. આ અચાનક આવેલો વરસાદ સ્થાનિક લોકો અને ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યો છે.
પદયાત્રીઓ માટે મુશ્કેલી, ખેડૂતોમાં ચિંતા
આ વરસાદના કારણે ખાસ કરીને અંબાજીના પગપાળા યાત્રીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ભાદરવી પૂનમના મેળા પહેલાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પદયાત્રા કરતા હોય છે. ભારે પવન અને વરસાદના કારણે તેમને આશરો શોધવા મજબૂર થવું પડ્યું હતું અને તેમની યાત્રામાં વિઘ્ન આવ્યું હતું. બીજી તરફ, ખેડૂતો પણ ચિંતિત છે કારણ કે, પાકી ગયેલા પાકને આવા અચાનક વરસાદ અને તેજ પવનથી મોટું નુકસાન થવાની ભીતિ છે.













