સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ આરસોડીયા ગામ પાસેના સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી નદીમાં મગર દેખાતા લોકોમાં ભય અને અચરજનો માહોલ ફેલાયો હતો. જ્યાં એક મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. જેનો વીડિયો ત્યાંના સ્થાનિકે પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. મગરને લઈ લોકોમાં ડરનું મોજું ફરી વળ્યું હતું. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોવાથી સપ્તેશ્વર મહાદેવના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ ભક્તો મંદિરના દર્શન બાદ નદીમાં સ્નાન પણ કરતા હોય છે.


સપ્તેશ્વર નદીના પટમાં મગરે શ્વાનનો શિકાર કર્યો

ત્યારે નદીમાં મગર દેખાવાની ઘટના ચિંતાજનક છે. મગર દ્વારા શ્વાનનો શિકાર કરાયાનો વિડીયો વાયરલ થતાં લોકો વધુ ભયભીત બન્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ભક્તોને સાવચેતી રાખવા અને નદીના પટમાં ન ઉતરવા માટે અપીલ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા લોકોને નદીમાં સ્નાન કરવાનું ટાળવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ ઘટના બાદ સપ્તેશ્વર નદીના કિનારે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાની માગ ઉઠી હતી. ગ્રામજનોનું કહેવું હતું કે આ વિસ્તારમાં પહેલીવાર મગર જોવા મળ્યો છે.

મગરને અન્ય જગ્યાએ ખસેડવાની સ્થાનિકોની માગ

આ પહેલા ક્યારેય અહીં મગર જોવા મળ્યા નહોતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં મગરને અન્ય કોઈ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે. વન વિભાગે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને મગરને પકડવા અને તેને સલામત સ્થળે ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરવી જરૂરી બની છે. જેથી શ્રાવણ મહિનામાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.


  • Follow us on: