સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકામાં વીજળીનો વેડફાટ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સરકારી ચેમ્બરોમાં અધિકારીઓ ગેરહાજર હોવા છતાં એર કન્ડિશનર, પંખા અને લાઇટો ચાલુ રહે છે. આ બેદરકારીનો વિડીયો એક સ્થાનિક અરજદારે બનાવીને વાયરલ કર્યો હતો. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાએ વડાલી નગરપાલિકાના વહીવટમાં ચાલતી લાલિયાવાડી અને અંધેર નગરી જેવી સ્થિતિને ઉજાગર કરી હતી.
ચીફ ઓફિસરની ગેરહાજરીમાં AC, લાઈટ ચાલુ
તાજેતરમાં જ વડાલી નગરપાલિકાએ 25 લાખ રૂપિયા જેટલું માતબર વીજબિલ ચૂકવ્યું હતું. આ પહેલા લાખો રૂપિયાનું બિલ બાકી હોવાથી UGVCL દ્વારા પાલિકાને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આમ છતાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ વીજળીનો બેફામ વેડફાટ કરતા જોવા મળી રહ્યા હતા. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે વડાલી પાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બર ખાલી હતી. પરંતુ અંદર AC, લાઇટ અને પંખા ચાલુ હતા. આ પ્રકારની બેદરકારી સરકારી કચેરીઓમાં સરકારી સંપત્તિનો કેટલો ગેરઉપયોગ થાય છે તે દર્શાવે છે.
તાજેતરમાં વડાલી નપાએ 25 લાખનું વીજબિલ ચૂકવ્યું
એક તરફ સરકાર વીજળી બચાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં જ વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક અરજદારો અને લોકોમાં ભારે રોષ છવાયો હતો. લોકોનું કહેવું હતું કે આખરે આ વીજબિલના પૈસા પ્રજાના ટેક્સમાંથી જ ચૂકવાય છે. તેમ છતાં અધિકારીઓ કેમ આવી બેદરકારી દાખવી રહ્યા છે. આ ઘટના બાદ વડાલી નગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓ દ્વારા જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી.