સાબરકાંઠામાં સૌથી વધુ ગરમીનો પારો ઈડર શહેરમાં અનુભવાય છે, સાથોસાથ અરવલ્લીની હારમાળા હોવાને પગલે ઈડર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વ્યાપક ગરમીનો અહેસાસ થતો હોય છે, ત્યારે આજે ઈડર શહેરની વિવિધ 15 જેટલી સંસ્થાઓના આગેવાનો સહિત અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ 1 લાખ જેટલા સીડ બોલનું વાવેતર કર્યું છે.
આવનારા સમયમાં ઈડર ગઢ વિસ્તાર પણ વૃક્ષોથી લીલોછમ બનશે
સામાન્ય રીતે ઈડર શહેરમાં ઉનાળાની ગરમી દરમિયાન સરેરાશ તાપમાન 45 ડિગ્રીથી વધી જાય છે, જેના પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠે છે. જોકે ઈડરગઢને હળીયારો બનાવવા માટે આજે પહેલીવાર એક સાથે 15 સંસ્થાઓ આગળ આવી છે. તેમજ અરવલ્લીની હારમાળામાં આવતા ઈડરગઢ વિસ્તાર તેમજ તળેટી વિસ્તારમાં આ સીડ બોલનું વાવેતર કરાયું છે. જોકે વાવેતર તો વન વિભાગ દ્વારા કરાતું હોય છે, પરંતુ તેની જાળવણી ન થતી હોવાને પગલે મોટાભાગના વૃક્ષો નાશ પામતા હોય છે. ત્યારે આજે ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષને નવજાત બાળક સમાન ગણી તેનું જતન કરવામાં આવે તો આવનારા સમયમાં ઈડર ગઢ વિસ્તાર પણ વૃક્ષોથી લીલોછમ બની શકે છે.
એક સાથે 500થી વધુ લોકો કામે લાગ્યા
સામાન્ય રીતે વૃક્ષારોપણનું કામ વન વિભાગ દ્વારા થતું હોય છે, તેમજ નાના મોટા વૃક્ષો વાવવા માટે સ્થાનિક કક્ષાએ પ્રયાસ થતો હોય છે. ત્યારે અરવલ્લીની હારમાળામાં આવેલા ઈડર ગઢ સહિત તળેટી વિસ્તારને ફરી વાર લીલોછમ બનાવવા માટે આજે એક સાથે 500થી વધુ લોકો કામે લાગ્યા હતા. તેમજ 1 લાખ જેટલા સીડ બોલનું વાવેતર કરાયું છે. જેના પગલે આવનારા સમયમાં ઈડર ગઢ વિસ્તારમાં ફરી એકવાર ગરમી ઘટાડવા સહિત સ્થાનિક લોકોને પડતી પારાવાર સમસ્યાઓમાંથી પણ છુટકારો મળશે, તેઓ પ્રયાસ કરાયો છે. જોકે આવનારા સમયમાં ઈડર ગઢ વિસ્તાર કેટલો લીલો બને છે, એ તો સમય જ બતાવશે. પરંતુ આજે કરાયેલો આ પ્રયાસ આસપાસની સંસ્થાઓ માટે પ્રેરણા રૂપ બનશે તે નક્કી છે.