અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ને તપાસ સંબંધિત મહત્વના નિર્દેશો આપ્યા છે. કોર્ટે AAIBને દુર્ઘટનાની તપાસનો સંપૂર્ણ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે, જેથી તપાસની ગોપનીયતા અને પારદર્શિતા જળવાઈ રહે.
સિમ્યુલેટર ટેસ્ટ કરાવવાની માગ
સુનાવણી દરમિયાન AAIBએ કોર્ટને જાણકારી આપી હતી કે વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર સંપૂર્ણ તપાસ રિપોર્ટ તૈયાર થઈ જશે. ત્યારબાદ તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કેસમાં અરજદાર તરીકે મૃત પાયલટના પિતાએ અરજી દાખલ કરી છે. તેમની તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દુર્ઘટનાના સાચા કારણો જાણવા માટે સંબંધિત વિમાન અને પરિસ્થિતિઓનું સિમ્યુલેટર ટેસ્ટ કરાવવાની માગ કરી હતી.
આ કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા
જોકે, કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જરૂરી સિમ્યુલેટર ટેસ્ટ પહેલાથી જ પૂર્ણ કરવામાં આવ્યા છે અને તે તપાસ પ્રક્રિયાનો ભાગ છે. સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશે પાયલટ ફેડરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી રિપોર્ટને પણ તપાસ સમિતિ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ થઈ શકે.
સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલાની આગામી સુનાવણી ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. હવે સપ્ટેમ્બર સુધીમાં AAIBની અંતિમ તપાસ રિપોર્ટ રજૂ થયા બાદ આ કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Kangana Ranautના 'Gen Z' અને 'ગટર જનરેશન'ની ટીપ્પણી પર રાજકીય વિવાદ, વિપક્ષ ગુસ્સે ભરાયો