5 નવેમ્બર, ગુરુવારે દેશભરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયન પેરા ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીઓ સાથે સંવાદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકોને સમર્પિત સ્મારકનું લોકાર્પણ કરશે. ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ પદભાર ગ્રહણ કરશે, જ્યારે અમદાવાદમાં 3 નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને ઈ-લોકાર્પણ થશે.
PM મોદી પેરા એથ્લેટ્સ સાથે સંવાદ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સાંજે આશરે 4:30 વાગ્યે એશિયન પેરા ગેમ્સ 2026માં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે સંવાદ કરશે અને જનસભાને સંબોધિત કરશે. જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ કુલ 114 મેડલ જીત્યા છે. જેમાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
નીતિ આયોગની નવી ટીમ સાથે ઉચ્ચસ્તરીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગની નવી ટીમ અને સભ્યો સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. બેઠકમાં વિકસિત ભારત 2047ના વિઝન અને વિવિધ નીતિગત મુદ્દાઓ અંગે ચર્ચા થવાની છે.
અમિત શાહ અંબાલામાં 1857ના શહીદ સ્મારકનું લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 નવેમ્બરે હરિયાણાના અંબાલા કેન્ટોનમેન્ટમાં આશરે ₹800 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્મારકનું લોકાર્પણ કરશે. આ સ્મારક 1857ના વિદ્રોહના નાયકોના યોગદાન અને બલિદાનને સમર્પિત છે.
નવીનીકરણીય ઊર્જા શિખર સંમેલનનું સમાપન
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા ભારત નવીનીકરણીય ઊર્જા શિખર સંમેલન અને એક્સ્પો 2026નું 5 નવેમ્બરે સમાપન થશે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સવારે 11 વાગ્યે સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ઉત્તર પ્રદેશના પ્રવાસે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 5 નવેમ્બરે ઉત્તર પ્રદેશના પ્રવાસે રહેશે. તેઓ સવારે 8 વાગ્યે ગોરખપુરના ગોરખનાથ મંદિરે પહોંચીને દર્શન-પૂજન કરશે.
ગાંધીનગર મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ પદભાર સંભાળશે
ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર સહિતના પદાધિકારીઓ 5 નવેમ્બરે પદભાર ગ્રહણ કરશે. નવા પદાધિકારીઓની કામગીરી અને શહેરના વિકાસને લઈને આગામી સમયમાં લેવાતા નિર્ણયો પર નજર રહેશે.
અમદાવાદમાં 3 નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ શહેરમાં 3 નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને ઈ-લોકાર્પણ કરવામાં આવશે. મોટેરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થશે, જ્યારે હંસપુરા અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામો પર નજર
3 નવેમ્બરે યોજાયેલી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી બાદ 5 નવેમ્બરે પરિણામો અને અમેરિકાની રાજકીય સ્થિતિ ચર્ચામાં રહેશે. ચૂંટણીનાં પરિણામોની ટ્રમ્પ સરકાર અને અમેરિકાની રાજનીતિ પર થનારી અસર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વનો વિષય બની રહેશે.
નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના કાર્યક્રમો
નવી દિલ્હીમાં 2થી 5 નવેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની બેઠક અને ગ્રીન હાઇડ્રોજન પરિષદ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં 130થી વધુ દેશોની ભાગીદારી અપેક્ષિત છે.
વિશ્વ સુનામી જાગૃતિ દિવસ
દર વર્ષે 5 નવેમ્બરે વિશ્વ સુનામી જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ સુનામીના જોખમ, આગોતરી ચેતવણી વ્યવસ્થા અને આપત્તિ વ્યવસ્થાપન અંગે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવાનો છે.
આ પણ વાંચો : Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?