ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા, મતદાતા જાગૃતિ અને ચૂંટણી સંચાલનને સુદ્રઢ બનાવવા સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્ય ચૂંટણી કમિશનર પોતાના ગુજરાત પ્રવાસનો શુભારંભ ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લઈને કરશે. આ ઉપરાંત, તેઓ ગુજરાતની પ્રાચીન સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ નમૂના સમાન અડાલજની વાવની પણ મુલાકાત લેશે.

500થી વધુ BLO સાથે બેઠક

પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અમદાવાદ સ્થિત AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સીધો સંવાદ સાધશે. આ સંવાદ દરમિયાન 'ભારતમાં ચૂંટણીઓનું સંચાલન' વિષય પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત, લોકશાહીની પાયાની ઈંટ ગણાતા 500થી વધુ બીએલઓ (BLO - બ્લોક લેવલ ઓફિસર) સાથે પણ તેઓ વિશેષ બેઠક કરીને તેમની કામગીરીની સમીક્ષા કરશે અને માર્ગદર્શન પૂરું પાડશે.

યુવા મતદાતાઓમાં જાગૃતિ લાવવા કવાયત

મુખ્ય ચૂંટણી કમિશનરની આ મુલાકાતથી રાજ્યના ચૂંટણી તંત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે. કમિશનર આ પ્રવાસ દરમિયાન શાળા-કોલેજોમાં કાર્યરત 1000થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો સાથે ખાસ મુલાકાત કરી તેમને પ્રોત્સાહિત કરશે, જેથી નવા અને યુવા મતદાતાઓમાં લોકશાહી તેમજ મતદાન પ્રક્રિયા અંગે વધુ જાગૃતિ લાવી શકાય. મુખ્ય ચૂંટણી કમિશનરના આ બે દિવસીય પ્રવાસને ધ્યાને રાખીને રાજ્યના ચૂંટણી વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gandhinagar News: આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે