વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે આજે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે રીવરફ્રન્ટ ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાંથી બંને નેતાઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતાં. જ્યાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત શરૂ થઈ હતી. આ મુલાકાત બાદ બંને દેશો વચ્ચે મહત્વના કરારો થયા હતાં.

ગુજરાતીમાં કહીએ છીએ કે આવકારો મીઠો આપજે રે

બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,જર્મની સાથે સંબંધો વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ છે. મર્ઝની આ યાત્રા ભારત સાથેના સંબંધોને દર્શાવે છે. ભારત અને જર્મની વચ્ચેના સંબંધોના 25 વર્ષ પૂર્ણ થયા છે. બે હજારથી વધુ જર્મન કંપનીઓ ભારતમાં છે. ચાન્સેલર મર્જનું ભારતમાં સ્વાગત છે. ગુજરાતીમાં કહીએ છીએ કે આવકારો મીઠો આપજે રે. જર્મનીનો ભારત પરનો અતૂટ વિશ્વાસ ચાન્સેલરની આ મુલાકાત દર્શાવે છે.

આજે થઇ રહેલા કરારથી વેપારને વધુ વેગ મળશે

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે વ્યાપાર સર્વોચ્ચ સપાટી પર છે. આજે થઈ રહેલા કરારથી વેપારને વધુ વેગ મળશે. આ વેપાર જર્મનીના ભારત પરના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. વિવેકાનંદ જંયતિના દિવસે ચાન્સેલરનું ભારતમાં સ્વાગત છે. ચાન્સેલરનું ભારતમાં સ્વાગત કરવું મારાં માટે સુખદ સંજોગ છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગત વર્ષે અમે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના 25 વર્ષ પુરા કર્યાં છે. આ વર્ષે આપણી રાજદ્વારીના સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ. આ માઈલ સ્ટોન પરસ્પર વિશ્વાસ અને સંયુક્ત મહત્વકાંક્ષાઓનું પ્રતિક છે.

આપણી ત્રિપક્ષીય વિકાસ ભાગીદારી વિશ્વ માટે એક સફળ મોડેલ

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત પરિવહનની જાહેરાત બાદ હું ચાન્સેલર મર્ઝનો આભાર માનું છું. આ કરાર બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારત અને જર્મની હંમેશા ખભે ખભા મિલાવીને ચાલ્યા છે. આપણી મિત્રતાની અસર વૈશ્વિક છે. ઘાના, કેમરૂન અને માલાવી જેવા દેશોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ સાથેની આપણી ત્રિપક્ષીય વિકાસ ભાગીદારી વિશ્વ માટે એક સફળ મોડેલ છે. અમે ગ્લોબલ સાઉથના દેશોના વિકાસ માટે આપણા સંયુક્ત પ્રયાસો ચાલુ રાખીશું.

ભારતમાં બે હજારથી વધુ જર્મન કંપનીઓ છે

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જર્મની અર્થવ્યવસ્થાની વચ્ચે સહયોગ સમગ્ર માનવતા માટે મહત્વનો છે. બંને દેશો વચ્ચે વધી રહેલા વેપાર અને રોકાણના સંબંધોએ આપણી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને નવી ઊંચાઈએ પહોંચાડી છે. બંને દેશો વચ્ચેનો વેપાર અત્યાર સુધીના સૌથી મોટા સ્તર પર પહોંચ્યો છે. આ વેપાર 50 બિલિયન ડોલરના આંકડાને પાર પાડી ગયો છે. ભારતમાં બે હજારથી વધુ જર્મન કંપનીઓ છે. 

જર્મન ચાન્સેલરે કહ્યું આ મારા પ્રત્યેની મિત્રતાનો પુરાવો

જર્મન ચાન્સેલરે કહ્યું હતું કે, અમે ભારત અને જર્મનીના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા માગીએ છીએ. તમે મને તમારા ગૃહ રાજ્યની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હું તે માટે તમારો આભાર માનું છું. તે ભારત અને જર્મની વચ્ચેના સંબંધોની નિશાની છે અને મારા પ્રત્યેની મિત્રતાનો પુરાવો છે. ભારત અને જર્મની વચ્ચેના આર્થિક સંબંધોની સંપૂર્ણ સંભાવનાઓનો ઉપયોગ કરવા માટે આપણે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરવાની જરૂર છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: જર્મન ચાન્સેલર ગાંધી આશ્રમ પહોંચ્યા, વડાપ્રધાન મોદી અને ફ્રેડરિક મર્ઝે મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી