ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી વન્યજીવ અને માનવ વચ્ચેના સંઘર્ષના વધુ એક ડાઘાવાળા સમાચાર સામે આવ્યા છે. જંબુસરના સામોજ ગામના મોટા તળાવમાં વિશાળ કાય મગર નજરે પડતા આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. તળાવના પાણીમાં ખુલ્લેઆમ વિચરતા આ મગરને કારણે ગામના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. ખાસ કરીને પશુઓને પાણી પીવડાવા લઈ જતા પશુપાલકો અને તળાવ કિસાનેથી પસાર થતા રાહદારીઓ હવે ડાયરેક્ટ આ જોખમનો સામનો કરવા મજબૂર બન્યા છે, જેના કારણે ગ્રામજનોમાં વનવિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે.

મગરે હુમલા કર્યાનો બનાવ, લોકોમાં ચિંતા

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ જંબુસર તાલુકાના અનેક ગામોમાં મગરો દ્વારા માનવીઓ તેમજ મૂગા પશુઓ પર જીવલેણ હુમલા કર્યાની ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. નદી અને તળાવોની નજીક વસવાટ કરતા લોકો માટે આ મગરો હવે કાળ બનતા જઈ રહ્યા છે. સામોજ ગામના મોટા તળાવમાં દેખાયેલા આ મગરના કારણે નાના બાળકો અને ખેડૂતોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે, કારણ કે તળાવની આસપાસ સતત લોકોની અવરજવર રહેતી હોય છે.

મોટી ઘટના બને તે પહેલા તંત્ર ચેતે

ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે વનવિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સામોજ ગામે આવીને મોટા તળાવમાં સર્ચ ઓપરેશન ચલાવવું જોઈએ અને આ મગરને વહેલી તકે પાંજરે પૂરીને સુરક્ષિત સ્થાને ખસેડવો જોઈએ. કોઈપણ મોટી કે અનિચ્છનીય ઘટના ન બને તેની ગંભીર નોંધ લઈને વન વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવવું અનિવાર્ય છે, જેથી ગ્રામજનો ભયમુક્ત વાતાવરણમાં શ્વાસ લઈ શકે.

આ પણ વાંચો : Amreli News : પીપાવાવ પોર્ટના દરિયામાંથી એશિયાટિક સિંહનો મૃતદેહ કબ્જે, વનવિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરી તપાસ શરૂ