આસામના ગોગામુખમાં 2 ઓક્ટોબર 2026ના રોજ જન્મેલા માત્ર 7 અઠવાડિયાના એશિયન હાથીના બચ્ચા 'રાજા'ની કહાની અત્યંત કરુણ છે. જન્મ સમયે તેની માતા માત્ર 11 વર્ષની હતી અને બચ્ચાને જન્મ આપ્યા બાદ ગભરાટમાં તેને લાત મારી દેતાં રાજાના પાછળના જમણા પગની જાંઘના હાડકામાં ગંભીર ફ્રેક્ચર થયું હતું. જન્મના પ્રથમ દિવસથી જ રાજા ઊભો રહી શકતો નહોતો. એટલું જ નહીં, તેને માતાનું પ્રથમ દૂધ અને પોષણ પણ મળી શક્યું નહોતું. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં રાજાના માલિકે વનતારાની મદદ માગી હતી.

7 અઠવાડિયાથી ઘરે જ સારવાર, છતાં સ્થિતિ ગંભીર

8 ઓક્ટોબર 2026ના રોજ વનતારાની રેપિડ રિસ્પોન્સ ટીમ રાજા સુધી પહોંચી હતી. એક્સ-રેમાં જાંઘના હાડકાનું ગંભીર ફ્રેક્ચર સામે આવ્યું હતું. ટીમે પ્લાસ્ટર, પટ્ટી, ખાસ સપોર્ટ સિસ્ટમ અને દૂધના વિકલ્પ દ્વારા સારવાર શરૂ કરી હતી. 10 ઓક્ટોબરથી આસામના પોહુમારામાં માલિકના ઘરે જ તેની સારવાર અને 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી હતી. જોકે, રાજાને ઝાડા, Klebsiella pneumoniae નામના બેક્ટેરિયલ ઇન્ફેક્શન, બ્લડ શુગરમાં ઘટાડો, લીવરની તકલીફ અને શરીર પર ઘા જેવી સમસ્યાઓ પણ થઈ હતી. દવાઓ, પ્રવાહી, પોષણ અને સતત સારવાર છતાં તેની સ્થિતિ ગંભીર રહેતાં હવે અત્યાધુનિક હોસ્પિટલમાં સારવાર આપવી જરૂરી બની છે.


2,500 KMની મુસાફરી હવે 4 કલાકમાં, વનતારામાં મળશે વિશેષ સારવાર

રાજાના જીવનને બચાવવા અનંત અંબાણીની પહેલથી 20 નવેમ્બર 2026ના રોજ આસામના ગુવાહાટીથી જામનગર સુધી ખાસ વિમાન દ્વારા એરલિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 2,500 KMથી વધુની રોડ મુસાફરીને બદલે લગભગ 4 કલાકમાં તેને જામનગર પહોંચાડવામાં આવશે. આ માટે ખાસ તૈયાર કરાયેલા ક્રેટમાં નરમ પથારી અને પગને સ્થિર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વનતારાના પશુચિકિત્સકો અને સંભાળ રાખનારી ટીમ આખી મુસાફરી દરમિયાન રાજાના હૃદયના ધબકારા, શ્વાસ, શરીરનું તાપમાન, પાણીની સ્થિતિ અને બ્લડ શુગર પર નજર રાખશે. જામનગર પહોંચ્યા બાદ તેને વનતારાની એલિફન્ટ હોસ્પિટલમાં દાખલ કરી ઓર્થોપેડિક સારવાર, પોષણ અને પુનર્વસન આપવામાં આવશે. વનતારાના જણાવ્યા મુજબ, ભારતમાં આ પ્રકારનું અનંત અંબાણીની મદદથી શક્ય બનેલું ત્રીજું એરલિફ્ટ છે. રાજાને ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી પશુચિકિત્સા દેખરેખની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો : Ahmedabad News : દિલજીતના કોન્સર્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ, પોલીસ અને ફાયર વિભાગની મોકડ્રિલ, 44 એક્ઝિટ ગેટની ચકાસણી