જામનગરથી અમૃતસર સુધી બની રહેલા મહત્વાકાંક્ષી 'ભારતમાલા પ્રોજેક્ટ'ની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા પાસે કરોડો રૂપિયાના ખર્ચે એક્સપ્રેસવેનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન ધ્રોલમાં માત્ર 1.5 થી 2 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડતાં જ રોડની સાઇડમાં બનાવવામાં આવેલી આરસીસી દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. બાંધકામના શરૂઆતી તબક્કામાં જ દિવાલ તૂટી પડતાં આ સમગ્ર પ્રોજેક્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

માવાપર ગામ નજીક ઓવરબ્રિજની પાળ ધરાશાયી

ધ્રોલના માવાપર ગામ પાસે બની રહેલા નેશનલ હાઇવે પર ઓવરબ્રિજની આસપાસ સુરક્ષા માટે બનાવવામાં આવેલી સિમેન્ટની પાળ અચાનક તૂટી પડી હતી. સ્થળ પર રહેલા ચિત્ર મુજબ કરોડોના આ પ્રોજેક્ટમાં માત્ર માટીકામ જ કરવામાં આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. સિમેન્ટની પાળ તૂટી પડવાની આ ઘટનાને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલા નબળા બાંધકામની પોલ ખુલ્લી પડી ગઈ છે અને ગુણવત્તા સામે મોટા પ્રશ્નાર્થો સર્જાયા છે.

રાતોરાત કાટમાળ ગાયબ કરી પુરાવા છુપાવવાનો પ્રયાસ?

દિવાલ ધરાશાયી થતાં જ કોન્ટ્રાક્ટરની ભૂમિકા વધુ શંકાસ્પદ બની છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, ઘટના બન્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત તૂટી પડેલી દિવાલનો કાટમાળ હટાવીને ગામની સીમ વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જો સ્થાનિકોનો આ દાવો સાચો હોય તો નબળી કામગીરીના પુરાવા છુપાવવા માટે આ પ્રકારની ઉતાવળ કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Jamnagar News: Corruption Allegations in Bharatmala Project After Wall Collapse

કામગીરીની ગુણવત્તા સામે અનેક અનુત્તર પ્રશ્નો

માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદમાં જ પાળ તૂટી જતાં ક્ષેત્રિય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડોના પ્રોજેક્ટમાં આવી ઘોર બેદરકારી કેમ રાખવામાં આવી? શું બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી હતી? શું યોગ્ય ધોરણોનું પાલન ન હતું થયું? અને જો કામમાં ખામી હતી તો તેની ચકાસણી કરનાર સરકારી અધિકારીઓ કેમ મૌન રહ્યા? આ તમામ સવાલો હવે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

Jamnagar News: Corruption Allegations in Bharatmala Project After Wall Collapse

તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની માગ

માવાપર ગામ નજીક બનેલી આ ઘટના બાદ સ્થાનિકો અને પ્રજાજનોમાં ભારે આક્રોશ છે. નેશનલ હાઇવે ઓથોરિટી અને સંબંધિત ઉચ્ચ તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને બાંધકામની ગુણવત્તા અંગે નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ ઉઠી છે. જો આ કરોડોના પ્રોજેક્ટમાં ગેરરીતિ થઈ હોય, તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા બેદરકાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.


આ પણ વાંચો - Jamnagarમાં પાણીની તંગી વચ્ચે વેડફાટ: જોગર્સ પાર્ક પાસે મુખ્ય લાઈન તૂટતાં રસ્તા પર અડધો કિલોમીટર સુધી પાણી વહ્યું