જામનગર શહેરમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા એક સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત ફૂડ અધિકારીઓની ટીમ દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી નાસ્તાની દુકાનો, પિઝા પાર્લર, રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડ સેન્ટરો પર અચાનક રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી હતી.
નાસ્તાની દુકાન અને પિઝા પાર્લરમાંથી એનાલોગ પદાર્થો મળ્યા
આ તપાસ દરમિયાન અધિકારીઓને એક નાસ્તાની દુકાનમાંથી છૂટક વેચાણ માટે રાખવામાં આવેલું એનાલોગ પનીર મળી આવ્યું હતું. આ સિવાય, જામનગર શહેરના એક પિઝા પાર્લરમાં તપાસ કરતા ત્યાંથી અંદાજે 12.50 કિલો જેટલો એનાલોગ ચીઝનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે તુરંત જ આ 12.50 કિલો એનાલોગ ચીઝ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા પર પ્રતિબંધ અને નિયમો
આ કાર્યવાહી અંગે માહિતી આપતા JMC ફૂડ સેફટી ઓફિસર એન. પી. જાસોલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એનાલોગ ચીઝ અને પનીરના ઉપયોગ અંગે ચોક્કસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. જો કોઈ વેપારી એનાલોગ ઉત્પાદનનો ઉપયોગ કરતો હોય તો તેણે ગ્રાહકોને તેની સ્પષ્ટ જાણકારી આપવી ફરજિયાત છે. કુદરતી દૂધમાંથી બનેલા અસલી ચીઝ કે પનીરના નામે એનાલોગ પ્રોડક્ટ વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવી એ ખાદ્ય સુરક્ષા કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
https://twitter.com/sandeshnews/status/2085277330998767966
વેપારીઓમાં ફફડાટ અને વિભાગની કડક ચેતવણી
ફૂડ વિભાગના આ અચાનક રેડને કારણે શહેરના પિઝા પાર્લર, ફાસ્ટફૂડ વિક્રેતાઓ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અનેક વેપારીઓએ પોતાના સ્ટોકની જાતે ચકાસણી કરવાનું શરૂ કરી દીધું છે. ફૂડ વિભાગે તમામ વેપારીઓને કડક સૂચના આપી છે કે, ગ્રાહકોને માત્ર શુદ્ધ, તાજું અને ગુણવત્તાયુક્ત ચીઝ તથા પનીર જ પીરસવામાં આવે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને દોષિતો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો - Jamnagar: ફૂડ વિભાગ દ્વારા શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ સહિત 38 પેઢીઓમાં કડક ચેકિંગ